Amul Dairy director Juwansingh's homecoming in Congress,
અમુલ ડેરીમાં ભાજપ દ્વારા બિનજરૂરી રાજકીય હસ્તક્ષેપ થવાને કારણે સભાસદોના હિતને નુકસાન થઈ રહ્યું છે
રાજકીય દખલગીરીને કારણે ગુજરાતમાં સહકાર ક્ષેત્રનું માળખું દિવસે દિવસે તુટી રહ્યું છેઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
Ahmedabad news ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયાં હતાં. તે ઉપરાંત કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. જેમાં આમ આદમી પાર્ટીમાંથી સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને વશરામ સાગઠિયા ફરીવાર કોંગ્રેસમાં આવ્યા હતાં. ત્યાર બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ ભાજપમાં જોડાયા હતાં. પરંતુ હવે ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસના નેતાઓ ઘરવાપસી કરી રહ્યાં છે. આજે અમુલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી છોડીને તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.
સહકાર ક્ષેત્રનું માળખું દિવસે દિવસે તુટી રહ્યું છે
છેલ્લી બે ટર્મથી સતત અમુલ ડેરીમાં ડાયરેક્ટર તરીકે ચુંટાઈને આવતા જુવાનસિંહ ચૌહાણે તેમના ટેકેદારો સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપની સરમુખત્યારશાહી, અહંકારી વલણ અને સહકારીક્ષેત્રે વિરોધી વહિવટને કારણે ગુજરાતીઓ આજે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. રાજકીય દખલગીરીને કારણે ગુજરાતમાં સહકાર ક્ષેત્રનું માળખું દિવસે દિવસે તુટી રહ્યું છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ તુટે, પેપર ફુટે, ભ્રષ્ટાચાર ચાલે, ખેડૂતોની કોઈ સુનવાઈ નહી, યુવાનોને રોજગારી નહી, ફિક્સ પગાર, આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી યુવાનોનું શોષણ, ગ્રામ્ય રસ્તાઓની બિસ્માર હાલત, શહેરોમાં ભ્રષ્ટાચારના કારણે પાણીના નિકાલ અને રોડ પર પડતા ખાડાઓની સમસ્યાઓ જેવી અનેક મુશ્કેલીઓ છે ત્યારે હવે અનેક લોકો કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યાં છે.
કોંગ્રેસે મને ટિકીટ ન આપી એટલે મનદુઃખ થયુ હતું
કોંગ્રેસમાં જોડાનાર જુવાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમુલ ડેરીમાં ભાજપ દ્વારા બિનજરૂરી રાજકીય હસ્તક્ષેપ થઈ રહ્યો છે. પરિણામે સભાસદોના હિતને પણ નુકસાન થઈ રહ્યું છે. વારંવાર ભાજપના નેતૃત્વને સહકારી સંસ્થામાં રાજકીય હસ્તક્ષેપ ન થાય તે માટે વિનંતી કરી હતી. પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નથી. ત્યારે જનહિતમાં અને અમુલ ડેરીના સભાસદોના હિતમાં મને યોગ્ય લાગ્યું છે કે ભાજપ છોડવી જોઈએ અને કોંગ્રેસ પક્ષમાં સામેલ થવાનો મેં અને મારા ટેકેદારોએ નિર્ણય કર્યો છે. અમુલ ડેરીના ડીરેક્ટર તરીકે સભાસદોના હિત માટે હું સતત લડતો રહીશ.વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મને ટિકીટ ન આપી એટલે મનદુઃખ ઉભુ થયુ હતું આથી ભાજપમાં જોડાયો હતો. પરંતુ હાલ કોઇ મન દુખ નથી. પશુ પાલકોનો હિતમાં આ નિર્ણય કર્યો એટલે ફરી કોંગ્રેસમા જોડાયો છું.