અમદાવાદમાં ચાની કિટલીઓ અને સ્ટોલ્સ ઉપર ચાની ચુસ્કીઓ મારવા ટોળામાં એકઠા થતા લોકો માસ્ક નહીં પહેરતા હોવાથી તેમજ એકબીજા વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેના સંદર્ભમાં આજે મ્યુનિ.ના સોલીડ વેસ્ટ ખાતાની ૧૨૨ ટીમોએ પોલીસને સાથે રાખીને પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરતા ટપોટપ સ્વયંભૂ રીતે ૧૧૨૪થી વધુ કિટલીઓ અને સ્ટોલ્સ બંધ થઈ ગયા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચા પીવા ભેગા થતા મિત્રો ટોળે વળીને ઉભા રહે અને માસ્ક પહેર્યા વગર વાતો કરે તો કિટલીવાળાઓ તેમને તેમ કરવાથી રોકી શકતા ન હતા. જેથી મ્યુનિ.ની ટીમોએ ૪૮ વોર્ડમાં એક સાથે કામગીરી હાથ ધરીને ૩૨ જેટલા ટી-સ્ટોલને કામકાજ બંધ કરાવીને 'સીલ' મારી દેતાં બાકીના કિટલીવાળાઓમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી અને ઝડપથી કામકાજ સંકેલી જાતે જ બંધ કરવા માંડયા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ કર્ણાવતી ક્લબ સામે આખો ફૂડકોર્ટ બંધ કરાવીને તેની ચારે તરફ પતરા મારી દેવાયા હતા. તે પહેલા તંત્રએ પાનના ગલ્લાઓ સામે પણ કડક ઝુંબેશ ચાલુ કરી હતી. ઉપરાંત હાલ મોલ, ઓફિસો, દુકાનો, મોટી માર્કેટો, જુદા જુદા ફૂડકોર્ટ વગેરેમાં ચકાસણી અને નિયમભંગ થતો હોય તેની સામે પગલા લેવાની કાર્યવાહી ચાલી રહેલ છે. કેટલાક જાણીતા સ્ટોલ પણ બંધ થઈ ગયા હતા ક્યાંક તો સીલ કરાયા બાદ તેના પર નોટિસો ચોંટાડવામાં આવી છે.