માસ્ક નહીં પહેરવાનો ચાંલ્લોઃ અમદાવાદમાં 3 મહિનામાં પોલીસે 5.13 કરોડનો દંડ વસૂલ કર્યો

ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (12:42 IST)
રાજ્યમાં સરકારની ગાઈડલાઈનમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત હોવા છતાં જાહેરમાં માસ્ક પહેરવામાં અમદાવાદીઓ બેદરકાર છે. છેલ્લા ત્રણ મહિનામાં શહેર પોલીસે 1.82 લાખ જેટલા અમદાવાદીઓ પાસેથી રૂ.5.13 કરોડનો દંડ વસૂલ કર્યો છે, જેમાં સૌથી વધુ 1.16 કરોડનો દંડ તો માત્ર ટ્રાફિક-પોલીસે જ વસૂલ કર્યો છે. અમદાવાદમાં રોજ સરેરાશ 200 લોકો માસ્ક વગર પોલીસના હાથે ઝડપાય છે. સરખેજ વિસ્તારમાં સૌથી વધુ 5215 લોકો માસ્ક વગર ફરતા ઝડપાયા છે, જેમની પાસેથી પોલીસે 13 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે. શહેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ દંડ વસૂલવાની સત્તા પોલીસને આપ્યા બાદ રૂ. 200થી હવે 1000નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે, ત્યારે રોજના 200 જેટલા લોકો માસ્ક વગર ઝડપાયા છે, જેમાં સૌથી વધુ દંડ નરોડા, સરદારનગર, એરપોર્ટ, કૃષ્ણનગર, મેઘાણીનગર, શાહીબાગ અને દરિયાપુર વિસ્તારમાં વસૂલવામાં આવ્યો છે. આ વિસ્તારમાં 30 હજાર લોકો પાસેથી પોલીસે છેલ્લા ત્રણ મહિનામાં અત્યારસુધીમાં કુલ 10-10 લાખ રૂપિયા ઉપરનો દંડ પોલીસે વસૂલ્યો છે. જો સૌથી ઓછા દંડની કાર્યવાહી શહેરના કોટ વિસ્તાર ગણાતા એવા કાલુપુર, ખાડિયા, જમાલપુર, ગાયકવાડ હવેલી, રાયપુર જેવા વિસ્તારમાં થઈ હતી. પોલીસે કોટ વિસ્તારમાં માત્ર 12થી 14 હજાર વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલ કર્યો છે, જ્યારે પૂર્વમાં ઝોન 5 વિસ્તાર એટલે કે અમરાઈવાડી, રામોલ, રખિયાલ, નિકોલ, ગોમતીપુર, ખોખરા, ઓઢવ અને બાપુનગર વિસ્તારમાંથી પણ દંડ વસૂલવામાં આવ્યો છે. આ વિસ્તારમાંથી માત્ર 20,000 લોકો જ દંડાયા છે. જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ અમદાવાદના 12 વિસ્તારમાં પોલીસે 10 લાખથી ઉપરનો દંડ વસૂલ કર્યો છે, જેમાં વેજલપુર, શાહપુર, સરખેજ, સાબરમતી, ખાડિયા, શાહીબાગ, સરદારનગર, નરોડા, મેઘાણીનગર, કૃષ્ણનગર, એરપોર્ટ અને નારોલ વિસ્તારનો સમાવેશ થાય છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર