ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત થતાં જ ભાજપ અને કોંગ્રેસમાં વિરોધ શરૂ થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગઈ કાલે ઉમેદવારો જાહેર કરવાની જગ્યાએ બારોબાર ફોન પર મેન્ડેટ આપી દેવામાં આવ્યા હોવાની રાવ ઉઠી છે. જેથી આજે કોંગ્રેસના અનેક કાર્યકરો વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતાં. શહેરમાં જમાલપુરના સીટીંગ કોર્પોરેટરને ટીકીટ નહીં મળવા પાછળ સ્થાનિક ધારાસભ્ય જવાબદાર હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત 500થી વધુ કાર્યકરોએ રાજીનામાં પણ આપી દીધાં હતાં. બીજી તરફ યુવા કાર્યકરોએ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ અને ઈમરાન ખેડાવાલા વિરૂદ્ધ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચીને સુત્રોચ્ચાર કર્યાં હતાં. બીજી તરફ શહેરમાં ખાડિયાની પેનલ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસમાં ટીકીટ વહેંચણી અંગે વિવાદ સામે આવી શકે છે.
એક MLA પર ટિકિટનો વહીવટ કર્યાનો આરોપ
અમદાવાદમાંથી સતત ચૂટાતા એક ધારાસભ્યે ટિકિટો વેચી હોવાની વાત બહાર આવી છે. આ ધારાસભ્યએ તેમની ધરીને નેતાઓને ગોઠવતા મામલો વધુ ગુંચવાયો હતો. ઉપરાંત એક યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ છેલ્લા 48 કલાકમાં એક્ટિવ થયા હતા. કોંગ્રેસે રામોલમાં એક ઉમેદવારને સીધો ફોન કરી દીધો હોવાની વાત ચર્ચામાં હતી. આ ઉપરાંત અસારવામાંથી આયાતી ઉમેદવારને પસંદ કરવામાં આવ્યો હોવાની વાત વહેતી થતાં કાર્યકરો પ્રદેશ કાર્યાલય દોડી ગયા હતા અને દેખાવો કર્યા હતા.
અસારવા વોર્ડમાં સ્થાનિક આગેવાનને ટીકિટ મળવી જોઈએ
ગઈ કાલે અસારવાના સ્થાનિક લોકો કોંગ્રેસ ભવન પહોંચ્યા હતાં પરંતુ તેમનો વિરોધ જોઈને કોંગ્રેસ ભવનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં હતાં. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારે અસારવા વોર્ડમાં સ્થાનિક આગેવાનને ટીકિટ મળવી જોઈએ. જો કોંગ્રેસ સ્થાનિક આગેવાનને ટીકિટ આપશે તો અમે આખી પેનલ જીતાડીશું. અમારે કોઈ ભાડુતી ઉમેદવારો અમારે નથી જોઈતા. કોંગ્રેસ અમારા સ્થાનિક મુકેશ જોશીને ટીકિટ આપે અમે ખાતરી આપીએ છીએ કે આખી પેનલ જીતાડીશું. લોકોનો વિરોધ જોઈને કોંગ્રેસ ભવનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં હતાં. લોકોએ રોડ પર જ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.
પોલીસ બંદોબસ્તની સાથે 8 જેટલા બાઉન્સરો મુકવામાં આવ્યા
જ્યારે કોઈ સભા કે નેતા આવવાના હોય કાર્યકરોની જરૂર પડે છે. ત્યારે આ જ કાર્યકરોને કોંગ્રેસ ભવનમાં આવતા રોકવામાં આવી રહ્યા છે. 8 જેટલા બાઉનસરો મુકવામાં આવ્યા છે.કોંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના 10 વોર્ડના 38 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બાકીના ઉમેદવારો આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવનાર છે. ઉમેદવારોની જાહેરાત થાય તે પહેલાં જ કોંગ્રેસમાં વિરોધ શરૂ થયો છે. સ્થાનિક વ્યક્તિ અને નેતાને જ ટિકિટ આપવામા આવે તેવી માંગ લઈને આવે તેવા વિરોધના તેમજ તોડફોડના ડરે કોંગ્રેસ દ્વારા બાઉનસરો મૂકી દેવાતા કોંગ્રેસના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો છે.