ગુજરાત હાઇકોર્ટે 1 માર્ચથી તમામ જિલ્લા કોર્ટોને શરૂ કરવાના આપ્યા આદેશ

શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (07:51 IST)
ગુજરાતમાં કોરોના પર અંકુશ આવી ગયો છે. દરરોજ કોરોના સંક્રમણના કેસ ઓછા થઇ રહ્યા છે. સરકારે પણ કોરોનાના કેસ ઓછા થતાં લોકોને છૂટછાટ આપી છે. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે 1 માર્ચથી તમામ જિલ્લા કોર્ટોને શરૂ કરવાના આદેશ આપ્યા છે. 
 
હાઇકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કોર્ટો શરૂ કરવાના આદેશ આપ્યા છે. બાર એસોશિએશનની માંગને ધ્યાનમાં રાખતાં હાઇકોર્ટએ આ નિર્ણય કર્યો છે. જોકે હાઇકોર્ટે કહ્યું કે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોર્ટ શરૂ નહી થાય. તમામ કોર્ટ 10.45 થી 6.10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે જાહેર કરેલા લોકદાઉનના કારણે રાજ્યની તમામ કોર્ટ બંધ છે. તો બીજી તરફ અનલોક બાદ હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરવામાં આવી છે. દીવાળી પછી પણ કોરોનાના કેસ વધતાં કોર્ટ શરૂ થઇ શકી ન હતી. હાલ કોરોનાના કેસ ઓછા થતાં એસોસિએશને કોર્ટ શરૂ કરવાની માંગ કરી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આજે રાજ્યમાં નવા 267 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 425 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,55,914 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 1549 કેન્દ્રો પર 37,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 4,90,192 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર