રાજયમાં ફેક એન્કાઉન્ટર કેસના આરોપીઓ પૂર્વ પોલીસ અધિકારીઓ એન.કે. અમિન, તરુણ બારોટ અને ડી. જી. વણઝારાએ ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે. ઇશરત જહાં કેસમાં આરોપી વડોદરા ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રિટાયર્ડ થયેલા બોરેટે બાપુનગર બેઠક પરથી ભાજપમાંથી ઝંપલાવવા ઇચ્છા કરી છે તો અમિને અમદાવાદની આસરવા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટ મળે તે માટે પ્રયાસો કર્યા છે.
આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાદ્યાણીને પૂછતા તેમણે કહ્યું કે, 'અમને પાર્ટીમાંથી અને સમાજના વિવિધ સેકશનમાંથી ચૂંટણી ટિકિટ મેળવવા માટે રજૂઆતો આવી છે. પરંતુ આ અંગે હાલ કંઈ કહેવું વહેલું ગણાશે. જે પણ નિર્ણય હશે તે પાર્ટી હાઈકમાન્ડ સાથે બેસીને લેશે.' તાપી જિલ્લાના SP તરીકે રિટાયર્ડ થયેલા એન.કે. અમિને કહ્યું કે, 'રાજકરણ પ્રત્યે મને પહેલાથી જ થોડો લગાવ છે કેમ કે પહેલા ડોકટર તરીકે અને પછી પોલીસમાં રહી સમાજની સેવા કરી છે.' તેમણે વધુમાં કહ્યું કે, 'મારા મીત્રો, પરિવાર અને સહાયકો ઇચ્છી રહ્યા છે કે હું ચૂંટણી લડું.' સોહરાબુદ્દીન કેસમાં એન.કે. અમિનને આરોપ મુકત જાહેર કરવામાં આવ્યા છે જયારે ઇશરત જહાં કેસમાં તેમની સામે હજુ પણ આરોપ પેન્ડિંગ પડ્યા છે. તો બારોટે પણ કહ્યું કે જો ભાજપ તેમને ટિકિટ આપે છે તો સમાજની સેવા કરવી મને ગમશે. બારોટ પર ઇશરત જહાં અને સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં આરોપ છે. જયારે ડી.જી વણઝારાને CBI કોર્ટે સોહરાબુદ્દીન કેસમાં આરોપ મુકત કરતા ૨૦૧૬માં ગુજરાત પ્રવેશની મંજૂરી આપી હતી. તેઓ પણ આ પહેલા જ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઇચ્છા દર્શાવી ચૂકયા છે. અને રાજયમાં ઠેરઠેર વિશાળ સ્વાગત સભા પણ યોજી ચૂકયા છે.