તામિલનાડુના ત્રિચી શહેરના નાડુકાટુપટ્ટી ગામમાં બોરવેલમાં પડેલા બે વર્ષના બાળક સુજિત વિલ્સનને જીવતા બહાર કાઢી શકાયા નથી.
એએનઆઈએ સરકારી અધિકારી જે રાધાકૃણષ્ણનના હવાલાથી જાણકારી આપી છે કે બાળકનું શરીર ડિકમ્પોઝ્ડ થવા લાગ્યું હતું.
તેમણે કહ્યું કે બાળક જે બોરવેલમાં પડ્યું હતું હવે ત્યાંથી દુર્ગંધ આવવા લાગી હતી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
કોઇમ્બતુરના બીબીસીના સહયોગી હરિહરને જણાવ્યું હતું કે બાળકનો મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યો છે.
બાળકનો મૃતદેહ એ જ બોરવેલમાંથી કાઢવામાં આવ્યો જેમાં તે પડી ગયું હતું. તેની બાજુમાં સમાંતર કરવામાં આવેલા ખાડામાં જે બોરવેલ કરવામાં આવ્યો હતો તેમાંથી તેને બહાર કાઢવામાં આવ્યું નથી.
ઘટના શું હતી?
26 ફૂટ ઊંડે પડી ગયેલા સુજિતને બચાવવા માટે પરિવારે પોલીસ અને અગ્નિશામક વિભાગને જાણ કરી હતી. સાંજે છ વાગ્યે બાળકને બચાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા હતા.
બાળકને સૌથી પહેલાં ઑક્સિજન સપ્લાય મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સે બાળકની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી શકાય એ માટે બોરવેલમાં સીસીટીવી કૅમેરા ઉતાર્યા હતા.
સુજિતને બચાવવાના પ્રયાસોમાં એનડીઆરએફની છ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટીમો કાર્યરત્ હતી.