નીતીશકુમાર : સીએમ અને ડેપ્યુટી સીએમ આજે લેશે શપથ

Webdunia
બુધવાર, 10 ઑગસ્ટ 2022 (14:06 IST)
જેડીયુ અને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વવાળા ગઠબંધનની નવી સરકાર બુધવારે બપોરે બે વાગ્યે રાજભવનમાં શપથગ્રહણ કરશે.
 
રાષ્ટ્રીય જનતા દળે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી કરેલા ટ્વીટમાં આ માહિતી આપી છે. જોકે એ નથી જણાવવામાં આવ્યું કે નવી સરકારમાં કોણ મુખ્ય મંત્રી બનશે અને કોણ ઉપમુખ્ય મંત્રી બનશે.
 
રાષ્ટ્રીય જનતા દળે ટ્વીટમાં લખ્યું છે, ''માનનીય મુખ્ય મંત્રીજી અને ઉપમુખ્ય મંત્રીજીનો આવતીકાલે બપોરે બે વાગ્યે રાજભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે.''
 
અગાઉ બિહારમાં નીતીશકુમારે જનતા દળ-યુ અને ભાજપનું ગઠબંધન તોડી નાખ્યું અને મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપીને ફરી એક વખત બિહારના રાજ્યપાલની મુલાકાત લીધી હતી.
 
નીતીશકુમારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળીને જનતા દળ યુનાઇટેડ અને રાષ્ટ્રીય જનતા દળની સરકાર બનાવવો દાવો રજૂ કર્યો હતો.
 
ત્યારે સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ભાજપે આરોપ મૂક્યો છે કે જેડીયુએ બિહારની જનતાને દગો આપ્યો છે.
 
નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે નીતીશકુમારે, રાજદ નેતા તેજસ્વી યાદવ અને જેડીયુ અધ્યક્ષ લલ્લનસિંહ એકજ કારમાં સાથે રાજભવન પહોંચ્યા હતા.
 
પટણામાં રાજભવનની બહાર આવ્યા બાદ નીતીશકુમારે પત્રકારોને જણાવ્યું કે, અમે ત્યાં હતા, જેમની સાથેનો નાતો અમે ખતમ કરી નાખ્યો છે. અમે સાત પાર્ટીઓના 164 અને એક નિર્દલીય ધારાસભ્યોના સમર્થનનો દાવો રજૂ કર્યો છે. હવે રાજ્યપાલ પર છે કે તેઓ ક્યારે અમને સરકાર બનાવવાનું આમંત્રણ આપે છે. 

સંબંધિત સમાચાર

Next Article