વડોદરાના ગોત્રી રામદેવનગરના રહીશોના મકાનો તોડી પાડયા બાદ તેઓને સયાજીપુરામાં મકાનો ફાળવતા ઝૂંપડાવાસીઓએ અવારનવાર રજુઆતો કરી જ્યાં ઝુંપડુ ત્યાં મકાન આપવા માંગણી કરી છે. આ માંગણી નહિં સંતોષાય તો રહીશો ધર્મ પરિવર્તન કરશે તેવી ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતુ થઈ ગયુ છે. વડોદરા શહેરમાં ગરીબોની આવાસ યોજના અંતર્ગત શહેરમાં આવેલી ઝૂંપડપટ્ટી હટાવવાની પ્રક્રિયા છેલ્લા કેટલાક સમયથી વડોદરા કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે જ્યાં ઝૂંપડુ ત્યાં મકાન આપવાનો અમલ કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ કોર્પોરેશન દ્વારા જે વિસ્તારમાં ઝૂંપડા તુટયા હોય ત્યાં મકાન આપવાને બદલે અન્ય વિસ્તારમાં મકાનની ફાળવણી કરવામાં આવતી હોય છે. ગોત્રી વિસ્તારમાં આવેલી રામદેવનગર ઝૂંપડપટ્ટીના ૭૦૦થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ ઝૂંપડાવાસીઓને ગોત્રીથી ૧૭ કિલોમીટર દુર સયાજીપુરામાં મકાન ફાળવી આપ્યા હતા. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સ્થાનિક રહીશોએ આજે દેખાવ કરી ચિમકી ઉચ્ચારી છે કે ગોત્રી રામદેવનગર ખાતે ઇનસીટુ યોજના મુજબ પીપીપીના ધોરણે મકાનો આપવામાં નહી આવે તો તમામ રહીશો ધર્મ પરિવર્તન કરીશુ.