કેરળમાં ચોમાસું બેઠું, ગુજરાતમાં ક્યારે, ગુજરાતમાં ચોમાસું કેટલું વહેલું આવશે?

Webdunia
રવિવાર, 29 મે 2022 (16:20 IST)
દેશમાં ચોમાસાના આગમનની કાગડોળે રાહ જોવાઇ રહી છે. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કેરળમાં આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી સચોટ સાબિત થઈ છે. આજે 29મી મેના રોજ ચોમાસાએ કેરળમાં પ્રવેશ કર્યો છે. IMD અનુસાર, કેરળમાં સામાન્ય સમય કરતાં 3 દિવસ પહેલા ચોમાસાએ દસ્તક આપી છે.
 
ભારતમાં ચોમાસાની શરૂઆત 1 જૂનની આસપાસ થતી હોય છે. તેમાં એકાદ-બે દિવસ વહેલું કે મોડું ચોમાસું શરૂ થતું હોય છે. ભારતમાં ચોમાસાની સૌપ્રથમ શરૂઆત આંદામાન-નિકોબાર ટાપુઓ પર થાય છે.
 
આંદામાન-નિકોબાર ટાપુઓ પર ચોમાસું 22 મેના રોજ પહોંચતું હોય છે અને ત્યાંથી આગળ વધીને તે કેરળ સુધી પહોંચે છે. દેશમાં કેરળમાં વરસાદ શરૂ થાય એટલે ચોમાસાની શરૂઆત ગણાય છે.
 
હવે હવામાન વિભાગે જાણકારી આપી છે કે દેશમાં ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની શક્યતા છે. આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું 15 મેની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે. એટલે કે ચોમાસું તેના સમય કરતાં એક અઠવાડિયું વહેલું પહોંચે તેવી શક્યતા છે.
 
જેથી હવામાન નિષ્ણાતો એવી ધારણા કરી રહ્યા છે કે કેરળમાં પણ ચોમાસું વહેલું બેસી જશે અને આ વર્ષે વહેલો વરસાદ શરૂ થઈ જશે.
 
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે 15 મેના રોજ આંદામાન-નિકોબાર બાદ ચોમાસું આગળ વધી ભારતના મુખ્ય ભૂ-ભાગ તરફ આવશે.
 
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 15 જૂનના રોજ થતી હોય છે. એટલે કે 15 જૂનની આસપાસ વરસાદ થતો હોય છે.
 
જો કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય અને સ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે.
 
નોંધનીય છે કે ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસાની 9-10 જૂનના રોજ શરૂઆત થઈ ગઈ હતી.
 
જોકે, આ વર્ષે તેનાથી પણ વહેલું રાજ્યમાં ચોમાસું બેસે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે. જો વહેલું ચોમાસું શરૂ થાય તો ખેડૂતોએ એ પ્રમાણે વહેલી વાવણી કરવાની પણ શરૂઆત કરવાની રહેશે.
 

સંબંધિત સમાચાર

Next Article