ડીસામાં OBC યુવકના વરઘોડા પર 200 લોકોનો પથ્થરમારો, આઠ પોલીસકર્મીને ઈજા

રવિવાર, 29 મે 2022 (12:22 IST)
બનાસકાંઠાના ડીસા તાલુકામાં પોલીસસુરક્ષા વચ્ચે નીકળેલા ઓબીસી યુવકના વરઘોડા પર અંદાજે 200 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં આઠ પોલીસકર્મીને ઈજા થઈ છે. પોલીસે 82 લોકો સામે ગુનો નોંધ્યો છે અને તે પૈકી 70 લોકોની ધરપકડ કરી છે.
 
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, શુક્રવારે સાંજે ડીસાના કુંપાટ ગામે રહેતા વિષ્ણુસિંહ ચૌહાણનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. કથિત રીતે તેઓ OBC સમુદાયમાંથી હોવાથી ગામના દરબારોએ તેમને ઘોડા પર ન બેસવા ધમકી આપી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
 
પોલીસને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે, વિષ્ણુસિંહ દ્વારા આ મુદ્દે પોલીસને જાણ કરાઈ હતી. જેથી ત્રણ પોલીસમથકનો સ્ટાફ તહેનાત કરાયો હતો. આ ઉપરાંત ગામમાં તમામ સમાજના આગેવાનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી.
 
આમ છતાં વરઘોડો નીકળ્યો ત્યારે ગામના એક મંદિર પાસેથી ટોળાએ પથ્થરમારો કરવાનો શરૂ કર્યો હતો. જેમાં આઠ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને પોલીસની પાંચ ગાડીઓને પણ નુકસાન થયું હતું.
 
પોલીસે આ મામલે 82 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, જે પૈકી 70 લોકોની ધરપકડ કરી લેવાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર