ભારત સરકાર અને સોશિયલ મીડિયા કંપની ટ્વિટર વચ્ચે વિવાદ ચાલુ છે. ભારતમાં પોતાના કર્મચારીઓની સુરક્ષાને લઈને ચિંતા બતાવનારા ટ્વિટરના નિવેદન પર કેન્દ્ર સરકારે એક ટ્વિટર નિવેદનમાં પ્રતિક્રિયા આપી છે. સરકારે કહ્યું છે કે ટ્વિટર દ્વારા ડરાવવા ધમકાવવાના સંબંધી આરોપો ખોટા, પાયાવિહોણા છે. આઇટી મંત્રાલયે કહ્યું કે ટ્વિટર વિશ્વની સૌથી મોટી લોકશાહી પર તેની શરતો લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોતાના પગલા દ્વારા તે જાણીજોઈને આદેશનું પાલન ન કરીને ભારતની કાયદો અને વ્યવસ્થાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યુ છે.સોશિયલ મીડિયા કંપનીઓના પ્રતિનિધિઓ ભારતમાં હંમેશા સુરક્ષિત હતા અને રહેશે.
સૂચના ટેકનોલોજી મંત્રાલયે ટ્વિટરના આક્ષેપોનુ ખંડન કરતા કહ્યુ, ટ્વિટરનુ તાજેતરનુ નિવેદન વિશ્વની સૌથી મોટી લોકશાહી પર પોતાની શરતો થોપવાનો પ્રયાસ છે. કંપની એ રેગ્યુલેશંસનુ પાલન કરવાને નકારી રહી છે, જેના આધાર પર તેમણે અપરાધિક જવાબદારીથી સુરક્ષા મળે છે. મંત્રાલયે કહ્યું કે કંપની આદેશનું પાલન ન કરીને જાણી જોઈને ભારતના કાયદો અને વ્યવસ્થાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
મંત્રાલયે વધુમાં કહ્યું, 'ટ્વિટરનો ભારતમાં મોટો યુઝર બેઝ છે, પરંતુ ટ્વિટર ભારતના અધિકારીઓ કહે છે કે તેમની પાસે કોઈ અધિકાર નથી. તેઓ કહે છે કે કોઈ પણ પ્રકારનો મુદ્દો ઉઠાવતા તેઓ કહે છે કે ભારતના લોકોએ અમેરિકા સ્થિત ટ્વિટર હેડક્વાર્ટર સાથે સંપર્ક કરવો પડશે. કંપનીની ભારતીય યૂઝર માટે કથિત પ્રતિબદ્ધતા ખોટી અને ફક્ત ખુદના ફાયદા માટે જણાય છે.
બીજી બાજુ દિલ્હી પોલીસે પણ ટ્વિટર પર કડકાઈભર્યુ વલણ અપનાવ્યુ છે અને કહ્યું હતું કે 'ટૂલકીટ' કેસમાં ચાલી રહેલી તપાસ અંગે ટ્વિટરનું નિવેદન ખોટું છે અને કાયદાકીય તપાસમાં અવરોધ લાવવાનો પ્રયાસ છે. દિલ્હી પોલીસનું આ કડક નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્વિટર દ્વારા પોલીસ પર ધાકધમકીની રણનીતિનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભારતમાં તેના કર્મચારીઓની સલામતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સંભવિત ખતરાને લઈને ચિંતિત છે.