લોકસભાની ચૂંટણી 2019- ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકના ૧૨૦ ઉમેદવારી ફોર્મ થયાં રદ

Webdunia
સોમવાર, 8 એપ્રિલ 2019 (16:53 IST)
લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીનો રંગ ધીમે ધીમે પકડી રહ્યો છે. છઠી એપ્રિલના રોજ ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ ચૂંટણી પંચ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ હવે રાજ્યમાં ૨૬ બેઠકો માટે કુલ ૪૫૨ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જયારે રાજ્ય વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી માટે ૬૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જોકે આઠમી એપ્રિલ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. તે દિવસે પણ વધુ ઉમેદવારો ચૂંટણી જંગમાંથી બહાર નીકળી જવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર કુલ ૫૭૨ ઉમેદવારીપત્ર ભરાયા હતા. 
ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી ચકાસણી બાદ ૧૨૦ ઉમેદવારીપત્રક ખામીયુક્ત હોવાને કારણે ચૂંટણી પંચ દ્વારા તેમને રદ્દ કરી દેવામાં આવતા ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠક માટે હવે ૪૫૨ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ૪૮ ઉમેદવારીપત્ર સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભરવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ ફોર્મ રિજેક્ટ થઈ જતાં હવે ૪૩ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જયારે રાજ્યમાં સૌથી ઓછા ૧૧ ઉમેદવારીપત્ર દાહોદ અને વલસાડની બેઠક પર ભરવામાં આવ્યા હતા. જેમાં દાહોદમાં ત્રણ અને વલસાડમાં બે ફોર્મ રિજેક્ટ થયા છે. આથી દાહોદની બેઠક પર હવે આઠ અને વલસાડની બેઠક પર નવ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. 
દાહોદ ઉપરાંત છોટા ઉદેપુરની બેઠક પર પણ માત્ર આઠ ઉમેદવાર જ ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જયારે જામનગરમાં બીજા નંબરે સૌથી વધુ ૪૬ ઉમેદવારીપત્ર ભરાયા હતા. જેમાંથી ૧૨ ફોર્મ રિજેક્ટ કરવામાં આવતા હવે ૩૪ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. રાજ્યમાં જામનગર પછી સૌથી વધુ ૪૫ ઉમેદવારીપત્ર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યાંથી ચૂંટણી લડવાના છે ત્યાં ગાંધીનગરની બેઠક પર ભરાયા છે. ગાંધીનગરમાં ૧૧ ઉમેદવારીપત્ર રદ્દ થતા હવે કુલ ૩૪ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. અમિત શાહની સામે કોંગ્રેસ તરફથી ગાંધીનગર ઉત્તરના વર્તમાન ધારાસભ્ય સી.જે. ચાવડાએ ઉમેદવારી નોંધાવી છે. 
રાજ્યમાં લોકસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટેની પેટાચૂંટણી પણ યોજાવાની છે. જેમાં ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર(ગ્રામ્ય) અને માણાવદર આ ચાર બેઠકો પર કુલ ૮૩ ઉમેદવારીપત્ર ભરાયા હતા, જેમાંથી ચૂંટણી પંચની ચકાસણીમાં ૧૫ ફોર્મ રિજેક્ટ કરવામાં આવતા હવે કુલ ૬૮ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જોકે આઠમી એપ્રિલ લોકસભાની ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યાર બાદ લોકસભાની ચૂટણી જંગમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થશે. આઠમી સુધી વધુ ઉમેદવારોની ચૂંટણી જંગમાંથી બહાર નીકળી જવાની શક્યતા છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article