સ્કિનને લગતી સમસ્યાઓ સાથે જીવવું કોને ગમતું હશે? દરેક ઉંમરની વ્યક્તિઓ માટે ચામડીને લગતી સમસ્યાઓ માથાનો દુખાવો હોય છે. અને દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેમને મળે ફ્લોલેસ સ્કિન.
કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં આજકાલ સ્કિનને સુધારવા માટેની એટલી બધી બ્યુટી પ્રોડક્ટ્સ વિકસી રહી છે કે ગુંચવણમાં પડી જવાય કે કઇ પ્રોડક્ટ આપણી સ્કિન માટે યોગ્ય રહેશે! આવામાં સૌથી સરળ ઉપાય એ જ છે કે તમે તમારી ચામડીની સંભાળ લેવા માટે કેટલાંક ઘરેલું નુસખા અજમાવો. અહીં આ માટેની કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેને તમે ઘરે જ સરળતાપૂર્વક અજમાવી શકો છો.
- તમે ઘણાં લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે જો તમારે ચહેરાની ચમક જોઇતી હોય તો શક્ય તેટલું વધુ પાણી પીઓ. ડોક્ટર્સ પણ આ સલાહ આપતા હોય છે. અને આ વાત સાચી છે. સ્કિન પર ગ્લો મેળવવામાં પાણી બહુ મહત્વનો રોલ ભજવતું હોય છે. માટે, પીવાય એટલું વધુ પાણી પીઓ.
- લગભગ અડધા લીંબોનો રસ નીચોવી લો અને તેમાં મધની સાથે હુંફાળું પાણી ઉમેરો. દરરોજ ખાલી પેટે આ મિશ્રણ લો. અન્ય ફાયદાની સાથે આ મિશ્રણ તમારા લોહીને શુદ્ધ બનાવશે.
- જો તમારી સ્કિન ઓઇલી હોય તો મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવી તેનું મિશ્રણ ચહેરા પર લગાવો. આનાથી તમારી સ્કિન તો ચોખ્ખી થશે જ સાથે ચહેરા પરનું ઓઇલ પણ ચૂસાઇ જશે જેના કારણે તમારી સ્કિન ચોખ્ખી થઇ જશે.
- તમારા ચહેરા પરના ડાઘા દૂર કરવા માટે ટામેટાનો પલ્પ, હળદર, દહીં અને ચણાનો લોટ ભેગો કરી તેને ચહેરા પર લગાવો. આ મિશ્રણ ચહેરા માટે નેચરલ સ્ક્રબનું કામ કરશે.
- નેચરલ બ્લીચ માટે લીંબુની છાલને મધ સાથે સ્કિન પર ઘસો અને થોડી વાર બાદ ચહેરો ધોઇ નાંખો.
- નારંગીના સૂકાયેલા છોતરાને દળીને તેનો પાવડર બનાવો. પાણીમાં ભેળવીને તેને ચહેરા પર લગાવો. આનાથી તમારો ચહેરો ચમકવા લાગશે.
- મકાઇનો લોટ અને દહીં ભેગા કરી દરરોજ સ્કિન પર લગાવશો તો સ્કિન હંમેશા ચોખ્ખી રહેશે.
- જો તમે બહાર તડકામાં જઇ રહ્યા છો તો તમે છત્રી વાપરવાનું રાખો જેનાથી તમારી ચામડીને સૂર્યકિરણોથી થતાં નુકસાન સામે કવચ મળી રહેશે.
- જો તમારી સ્કિન ડ્રાય હોય તો તેને નરિશ્ડ રાખવા માટે તમારા ચહેરા પર બદામના તેલ કે વિટામિન ઈના તેલનો મસાજ કરો
આ બધું કરવા માટે બસ જરૂર છે તમારા બિઝી શિડ્યુલમાંથી થોડી મિનિટો કાઢવાની. જો તમે આ ઘરેલુ નુસખા રેગ્યુલર અજમાવતા થઇ જશો તો સ્કિનને લગતી મોટાભાગની સમસ્યાઓમાંથી તમે છુટકારો મેળવી શકશો.