જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા પર હુમલો, સ્મોક બૉમ્બ જેવી વસ્તુ ફેંકાઈ

Webdunia
શનિવાર, 15 એપ્રિલ 2023 (13:15 IST)
જાપાનના મીડિયાથી મળી રહેલા સમાચાર અનુસાર, વડા પ્રધાન ફુમિયો કિશિદાના એક ભાષણ દરમિયાન ધડાકાનો અવાજ સંભળાયા બાદ તેમને ત્યાંથી કાઢી લેવાયા છે.
જે સમયે ધડાકો થયો ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. મળતા સમાચાર અનુસાર, ધડાકા બાદ સુરક્ષાકર્મીઓએ તેમને ત્યાંથી બહાર કાઢ્યા હતા.કહેવાઈ રહ્યું છે કે વડા પ્રધાન કિશિદા પર સ્મોક બૉમ્બ જેવી વસ્તુ ફેંકાઈ હતી. ટીવી ફૂટેજમાં અધિકારીઓને વિસ્તાર ખાલી કરાવતા અને ઘટનાસ્થળેથી એક શખ્સને હટાવતા દર્શાવાયું છે.એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેમણે એક વ્યક્તિને કંઈક ફેંકતા જોઈ હતી, જે બાદ ધુમાડો નીકળી રહ્યો હતો.
 
તો કેટલાક લોકોએ જોરદાર અવાજ સંભળાયો હોવાની વાત કહી હતી.તો એક રિપોર્ટમાં જણાવાયું કે પીએમ કિશિદા પાસે એક પાઇપ જેવી વસ્તુ ફેંકાઈ હતી. સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, ધડાકો થયા બાદ વડા પ્રધાનને સુરક્ષાઘેરામાં લઈ લેવાયા હતા. તો જાપાનના સરકારી મીડિયા એનએચકે અનુસાર, પોલીસે ઘટનાસ્થળેથી એક વ્યક્તિને પોતાના નિયંત્રણમાં લેતા જોવા મળ્યું હતું. વીડિયો ફૂટેજમાં ભીડને ભાગતા અને અનેક પોલીસ અધિકારીઓ એક શખ્સને જમીન પર પછાડતા હોય એવું જોવા મળ્યું હતું. બાદમાં પોલીસે એ શખ્સને ઘટનાસ્થળથી હટાવી દીધો.
 
પોલીસનું કહેવું છે કે તેમણે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જોકે આ અંગે પોલીસે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. તો એનએચકે અનુસાર, પકડેલી વ્યક્તિની કામમાં અવરોધ નાખવાની શંકામાં ધરપકડ કરાઈ છે. રિપોર્ટ અનુસાર, વાકાયામા પ્રાંતના સેકઝાઈ પોર્ટની મુલાકાત લીધા બાદ પીએમ કિશિદાએ પોતાનું ભાષણ શરૂ કર્યું હતું કે આ ઘટના ઘટી. ફુમિયો કિશિદા જી-7 સમૂહના સર્વોચ્ચ નેતાઓની મેજબાની કરવાના છે. આ બેઠક આગામી મહિને હિરોશિમામાં થવાની છે. ગત વર્ષે જુલાઈમાં જાપાના પૂર્વ વડા પ્રધાન શિંજો એબેની એક સભા દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. હુમલાખોરને ઘટનાસ્થળેથી પકડી લેવાયો હતો

સંબંધિત સમાચાર

Next Article