નીરવ મોદી અને મેહુલ ચોકસીના અબજોના કૌભાંડને કારણે પબ્લિક સેક્ટર બેન્કોએ તેમની શાખાઓને ફ્રેશ લેટર્સ ઓફ અન્ડરટેકિંગ (LoU) અને લેટર્સ ઑફ કમ્ફર્ટ (LoC) આપવાની મનાઈ કરી દીધી હોવાથી સુરતના હીરા બજારને કપરા દિવસોનો સામનો કરવો પડી રહ્યો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ બેન્ક ઑફ બરોડાના દક્ષિણ ગુજરાતના ઝોનલ હેડે તેની શાખાઓને તેમના ગ્રાહકોને 20 ફેબ્રુઆરીથી વિદેશમાં સપ્લાય કરતા વેપારી, બેન્ક અથવા તો નાણાંકીય સંસ્થાઓના નામે LoU અને LoC ન આપવાનો આદેશ કર્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા મુજબ ભારતના હીરાબજાર માટે ફાયનાન્સ ખૂબ જ અગત્યનું છે. ભારતની ઈન્ડસ્ટ્રી દર વર્ષે એક કરોડ જેટલા હીરા કાપે છે અને પોલીશ કરે છે. અત્યારે પોલીશ કરેલા ડાયમન્ડનો નિકાસનો વેપાર 22 બિલિયન ડોલર જેટલો છે.
આ વેપારને 6 બિલિયન ડોલર ભારતમાંથી મળે છે જ્યારે 5.5 બિલિયન ડોલર આંતરરાષ્ટ્રીય બેન્કિંગ ચેનલ્સમાંથી મળે છે. વર્ષોથી ડાયમન્ડ ઈન્ડસ્ટ્રી બેન્કોના ફાયનાન્સ પર નભે છે અને જો તે અટકી જશે તો વિદેશથી રફ ડાયમન્ડ ખરીદવામાં વેપારીઓને ખૂબ જ મુશ્કેલી પડશે. નાવડિયાએ વધુમાં જણાવ્યું કે “ઘણી લાંબી લડત આપ્યા પછી અમે પબ્લિક સેક્ટર બેન્કોને ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાયનાન્સ આપવા મનાવી શક્યા હતા. તાજેતરમાં જ કરૂર વૈશ્ય બેન્કે નાની પેઢીઓ માટે લોન મંજૂર કર્યું છે જેમાં મારી કંપનીનો પણ સમાવેશ થાય છે. જો કે અમારે હજુ ક્રેડિટ મંજૂર નથી થઈ પણ અમને ડર છે કે બેન્કો LoU મંજૂર નહિ કરે તો મને ભારે તકલીફ પડશે.
સુરત ડાયમન્ડ એસોસિયેશનના પ્રમુખ બાબુ ગુજરાતીએ જણાવ્યું, મોટી ડાયમન્ડ કંપનીઓને બેન્ક ક્રેડિટ મળી જાય છે પરંતુ નાના વેપારીઓએ બજારમાંથી 12થી 15 ટકા જેવા ઊંચા વ્યાજદરે પૈસા લઈને પોતાનો ધંધો ચલાવવો પડે છે. બેન્કે હવે ગાળિયો કસતા નાના વેપારીઓને વધુ મુશ્કેલી પડશે અને વ્યાજના દર વધી જશે.