ટૂંક સમયમાં રાજકોટના હીરાસર એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરશે,

Webdunia
બુધવાર, 21 ઑગસ્ટ 2024 (13:05 IST)
શહેરના હિરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન અંગે તાજેતરમાં સંસદમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આ એરપોર્ટ પર હાલની તારીખમાં કોઈ ઈન્ટરનેશનલ ઉડાનનું શિડ્યૂલ્ડ નથી. ત્યારે હવે ટૂંક સમયમાં હીરાસર એરોપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે. એરપોર્ટ ઉપર હાલ નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે, ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે. પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઇની શરૂ થાય તેવી શક્યતા છે. 
 
ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના કાઉન્ટર તૈયાર
રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઈમિગ્રેશનનાં 12 તો અરાઇવલના 16 ટેબલ તૈયાર થઈ ચૂક્યાં છે અને તે માટે ગૃહ મંત્રાલયને પત્ર લખી દેવામાં આવ્યો છે. આ પત્રમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઈમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કરવા માટે લખ્યું છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ એરપોર્ટ જાહેર કરવા માટે ગત જુલાઇ-2024માં નાણા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના 1-1 કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યાં છે.
 
દિલ્હીની ફ્લાઇટ ફરી શરૂ કરવાની જાહેરાત
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં ઇન્ડિગોની 9 અને એર ઇન્ડિયાની 3 ફ્લાઇટ મુંબઈ, દિલ્હી, ગોવા, અમદાવાદ, બેંગલુરુ અને પુણે તો 1 ચાર્ટર્ડ સુરત સુધી ઉડાન ભરી રહી છે. એર ઇન્ડિયા દ્વારા ઘણા સમયથી બંધ દિલ્હીની સવારની ફ્લાઈટ ફરી શરૂ કરવા માટેની તૈયારીઓ પણ દર્શાવી છે. આ ફ્લાઈટ આગામી 27મી ઓક્ટોબરથી ઉડાન ભરશે. સવારે 6.55 વાગ્યે આ ફ્લાઇટ રાજકોટ આવશે અને 7.35 વાગ્યે આ ફ્લાઇટ રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થશે.

સંબંધિત સમાચાર

Next Article