કોરોનાની દવાઓ, ટેસ્ટ કિટ, રેમડેસિવિર પર જીએસટી 12થી ઘટાડી 5 ટકા કરાયો: નીતિન પટેલની જાહેરાત

Webdunia
શનિવાર, 12 જૂન 2021 (18:16 IST)
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને 44મી જી.એસ.ટી કાઉન્સીલની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય રાજય નાણાંમત્રી અનુરાગ ઠાકુર સહિત વિવિધ રાજયોના નાણાંમંત્રીઓ જોડાયા હતા. ગાંધીનગર ખાતેથી રાજયના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પણ સહભાગી થઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ બેઠકમાં કોરોનાની સારવાર માટે વપરાતી દવાઓ, ઈન્જેક્શનો, સાધનો, વાહનો વગેરે પરના GSTમાં 30 સપ્ટેમ્બર 2021 સુધી ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાણકારી આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરિષદને સંબોધન કરીને જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓ માટે વપરાતા ટોસીલીઝુમેબ અને એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન પર જીએસટી માફ કરાયો છે, સાથે જ રેમડેસિવિર ઈન્જેક્શન પર જીએસટીને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. કોરોનાની સારવારમાં અત્યારે જેટલી પણ દવા વપરાય છે અને ભવિષ્યમાં વપરાઈ શકે છે. તે તમામ પર ટેક્સ ઘટાડીને 5 ટકા કરવો તે બાબતે ચર્ચા થઈ હતી. ભારત સરકાર દ્વારા દવાઓનું લિસ્ટ બનાવીને GST કાઉન્સિલને આપવામાં આવશે. તે તમામ દવાઓ પર એક સરખો ટેક્સ કરવામાં આવશેસ, તેમ નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. આ સાથે જ તેમણે જાણકારી આપી કે, કોરોનાના દર્દીઓ માટે વપરાતા ઓક્સિજન પર 12 ટકા જીએસટી હતો જે ઘટાડી 5 ટકા કરાયો છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દૈનિક 700થી 1250 મેટ્રીક ટન ઓક્સિજન વપરાતો હતો. આવી જ રીતે વ્યક્તિગત ઉપયોગ માટે ઓક્સિજન, કોન્ટ્રેસ્ટર અથવા જનરેટર વપરાતા હોય તેના માટે અત્યાર સુધી 12 ટકા GST હતો તે ઘટાડીને 5 ટકા કરાયો છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેન્ટિલેટર પર અત્યાર સુધી 12 ટકા જીએસટી હતો જે ઘટાડીને 5 ટકા કરાયો છે. વેન્ટિલેટર સાથેનું માસ્ક, સાધનો અથવા જે હેલ્મેટનો ઉપયોગ કરાય તે સાધનો પર 12 ટકા GST હતો તેને પણ ઘટાડીને 5 ટકા કરાયો છે. સાથે જ બાયપેપ મશીન પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો. દર્દીને હાઈફ્લો ઓક્સિજન સપ્લાય કરતા નેસલ ફ્લોમાં પણ જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે.

સંબંધિત સમાચાર

Next Article