ભાજપને સૌથી મોટો ડર સૌરાષ્ટ્રની આ બેઠકો પર, પાંચ હજારથી ઓછા માર્જિન પર મળી હતી જીત

Webdunia
સોમવાર, 28 નવેમ્બર 2022 (15:15 IST)
ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રની ૯ બેઠકો પર હાર-જીતનો ફેસલો માત્ર પાંચ હજારથી ઓછાં મતોના તફાવતથી તથા 7 બેઠકોનો ફેંસલો પાંચ હજારથી દશ હજાર મતોના તફાવતથી થયો હતો. આ 16 બેઠકો પૈકી 12 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી જ્યારે તથા ૭ બેઠકો ભાજપના ઉમેદવારો માંડ માંડ જીતી શક્યા હતા એવા તારણને કારણે ભાજપ- કોંગ્રેસ બન્ને દ્વારા થોડા થોડા ફેરફાર કરવા પડ્યા છે. જેનુ પરિણામ અસરકારક બની રહે તેવા અણસાર છે.

ગુજરાતમાં ભાજપને ૯૯ અને કોંગ્રેસને ૭૭ બેઠકો આપી ગયેલાં 2017નાં પરિણામ વખતે સૌરાષ્ટ્રમાં ૪૮ બેઠકો પૈકી એનસીપીને ૧, કોંગ્રેસને ૨૮ અને ભાજપને 19 એવુ એક અલગ પરિણામ જોવા મળ્યુ હતુ. ૪૮માંથી ૧૬ બેઠકમાં 10 હજારથી ઓછા માર્જિનવાળા પરિણામો મળ્યા હતા, જે 16 પૈકી 12 બેઠક કોંગ્રેસના ખાતાંમાં પડી હતી. જો કે, ત્યારથી માંડીને હાલ સુધીમાં ભાજપે આ પૈકી મોરબીમાં ત્યારે જીતેલા બ્રિજેશ મેરજાને અને જસદણમાં વિજેતા થયેલા કુંવરજી બાવળિયાને ભાજપમાં ભેળવી લઈ પેટા ચૂંટણીમાં બંને બેઠક કબજે કર્યા બાદ આ વખતે પણ જસદણમાં તો એ જ ઉમેદવારને રીપીટ કર્યા છે, જ્યારે જામનગર ગ્રામ્યમાં પક્ષ બદલનાર મૂળ કોગ્રેસી વલ્લભ ધારવિયા તો ભાજપમાથી પેટાચૂંટણી ન જીતી શક્યા પરંતુ એ પેટાચૂંટણીના વિજેતા કોગ્રેસી રાધવજી પટેલને જ પછીથી ભાજપમા ભેળવી લઈ હાલ તેમને પણ ટિકિટ આપવામા આવી છે.

એ સિવાય, જૂનાગઢ, ઉના, લાઠી, સાવરકુંડલા, ગઢડા, દસાડા અને રાજકોટ ગ્રામ્યના ઉમેદવાર બદલી નખાયા છે, તો ૨૦૧૭માં પરાજિત વાંકાનેરના જીતુ સોમાણી, તળાજાના ગૌતમ ચૌહાણ અને જામજોધપુરમાં ચીમન શાપરિયાને ફરી તક આપી છે, જ્યારે દ્વારકા ઉપરાંત ખાસ તો પોરબંદર અને ગારિયાધાર બેઠક નાની સરસાઈથી જીતેલા જૂના જોગીઓ પર પુનઃ મદાર રાખ્યો છે.

બીજી તરફ, વાંકાનેર, ઉના, દસાડા, તળાજા, જૂનાગઢ, જામજોધપુર, લાઠી અને સાવ૨કુંડલાના ધારાસભ્યોને ફરી મેદાને ઉતારનાર કોંગ્રેસે ૨૦૧૭માં ચૂંટાયેલા ગઢડાના ધારાસભ્યના રાજીનામાને લીધે તેમજ જસદણ, જામનગર ગ્રામ્ય, અને મોરબીમાં પક્ષપલટાને પગલે ઉમેદવારો બદલવા જ પડે તેમ હતા, એ સિવાય રાજકોટ ગ્રામ્ય, ગારિયાધાર, દ્વારકાની ગુમાવેલી બેઠક પર પણ ઉતારનાર બદલ્યા છે.

રાજકીય વિશ્લેષકો કહે છે કે  ‘આમ ૨૦૧૭માં પાસ આંદોલન ઉપરોક્ત પૈકીની પાટીદાર પ્રભુત્વવાળી લાઠી, જામજોધપુર, સાવરકુંડલા જેવી બેઠકો પર અસર પહોંચાડી ગયું હતું. ઉપરાંત, એ વખતે કેટલાંક સબળ અપક્ષોએ પણ અમુક બેઠકોનાં પરિણામ પર પ્રભાવ વર્તાવ્યો હતો. એ બંને પરિબળ હાલ નથી.’ આમ છતાં, એકંદરે આ ૧૬ બેઠકો પરની હાર જીત પણ સરકાર બનાવવા માટે જરૂરી એવા બહૂમત બાબતે મહત્વની પૂરવાર થશે તેમ મનાય છે.

સંબંધિત સમાચાર

Next Article