તમે અમારો પ્રચાર કરો અમારી સરકાર બનાવો અમે તમારા તમામ પ્રશ્નોનો હલ લાવીશું' : કેજરીવાલ

સોમવાર, 28 નવેમ્બર 2022 (09:31 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદ કરીને સરકારી કર્મચારીઓને ગેરંટી આપી હતી. તેઓએ સરકારી કર્મચારીઓને કહ્યું હતું કે, જે તરફ સરકારી કર્મચારીઓનો ઝોક હોય છે તે પક્ષની જ સરકાર બને છે. તેઓએ સરકારી કર્મચારીઓને કહ્યું તમારા અનેક પ્રશ્નો છે. ગુજરાતમા તમે અમારી સરકાર બનાવવામાં મદદ કરો અને તમારા તમામ પ્રશ્નો હલ લાવીશું. આ ઉપરાંત તેઓએ આપ ની સરકાર બનશે અને કોંગ્રેસના મતદારો ગુજરાતમાં શોધતા પણ મળતાં નથી તેવી વાત કરી હતી. સરકારી કર્મચારીઓ માટે 31 જાન્યુઆરીથી જુની પેન્શન યોજના લાગુ કરવા માટેની જાહેરાત પણ કરી હતી.  
 
આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા હતા અને તેઓએ એક પત્રકાર પરિષદ કરી હતી તે પત્રકાર પરિષદમાં તેઓએ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું પરંતુ સરકારી કર્મચારીઓને આપ તરફે કામ કરવા માટે અપીલ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, છેલ્લા થોડા વખતથી ગુજરાતમાં અનેક સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમના પ્રશ્નોનો નિકાલ ભાજપ સરકાર કરી શકી નથી. તેઓએ કહ્યું હતું કે જે રીતે આપે પંજાબમાં જુની પેન્શન યોજના લાગુ કરી છે તે રીતે જ ગુજરાતમાં આપ ની સરકાર બનશે એટલે 31 જાન્યુઆરી થી જૂની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવશે.  
 
તેમણે વધુમાં કહ્યું હતું કે જે રાજ્યમાં સરકારી કર્મચારીઓ જે પક્ષ સાથે હોય છે તે પક્ષની સરકાર બને છે. હાલમાં બેલેટ પેપરથી મતદાન ચાલી રહ્યું છે તેમાં દરેક મત આપને પડે તેવી અપીલ કરી હતી અને તેની સાથે સાથે સરકારી કર્મચારીઓ આમ આદમી પાર્ટીના મતદાન માટે કામ કરે તેવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મારી રાજકિય ભવિષ્યવાણી પંજાબ અને દિલ્હીમાં સાચી પડી છે અને ગુજરાતમાં પણ અમારી સરકાર બનશે તેવી મારી ભવિષ્યવાણી છે. ગુજરાતમાં આમ આમદી પાર્ટી 92 સીટ સાથે સરકાર બનાવશે જ્યારે ભાજપ 92 બેઠકની નીચે રહેશે. જોકે, કોંગ્રેસ અંગે તેઓએ કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ કોંગ્રેસનો મતદાર શોધતા પણ મળતો નથી તેવી હાલત છે.  
 
ગુજરાતમાં મતદારો પોતાનો મત જાહેર કરતાં ભાજપથી ગભરાય છે: કેજરીવાલ 
 
સુરતમાં પત્રકાર પરિષદ દરમિયાન કેજરીવાલે કહ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપનો દરેક મતદાર આપને મત આપવા માટે મન બનાવી રહ્યો છે. જે કોઈ જાહેરમાં ભાજપને મત આપવાન વાત કરે છે તેની સાથે પાંચ મીનીટ વાત કરવામા આવે તો ત્યાર બાદ તે કહે છે હું પણ આપ ને મત આપીશ પરંતુ ભાજપ વાળા હુમલો કરે તેનાથી ડરીને ખુલ્લેઆમ બોલી શકતા નથી. આખી ગુજરાત હવે પરિવર્તન માગી રહી છે મોટી સંખ્યામા લોકો આપ સાથે જોડાઈ રહ્યાં છે. 27 વર્ષના ભાજપના કુશાસન પછી હવે લોકોને ભાજપ થી મુક્તિ મળશે તેમ પણ તેઓએ કહ્યું હતું. 
 
સત્યેન્દ્ર જૈનના જેલના વિડિયો અંગે કેજરીવાલે ઉડાવ જવાબ આપ્યો 
 
સુરતની પત્રકાર પરિષદમાં કેજરીવાલની જાહેરાત પુરી થયાં બાદ પહેલો જ પ્રશ્ન સત્યેન્દ્ર જૈનના જેલના વિડિયો અંગે પૂછવામાં આવ્યો હતો તેનો કેજરીવાલે ઉડાઉ જવાબ આપ્યો હતો. તેઓએ આ અંગે કોઈ પણ જાતનો જવાબ આપવાના બદલે કહ્યું હતુ કે ભાજપ દિલ્હીમાં હવે દરેક વોર્ડમાં વિડિયો ગેલેરી બનાવવાનું કામ કરી રહી છે. ભાજપ હવે વિડિયો કંપની બની ગઈ છે તેથી દિલ્હીની જનતા જવાબ આપશે તેને વિડિયો બનાવવા માટેની કંપની જોઈએ છે કે સારુ શાસન કરવાવાળી પાર્ટી જોઈએ છે. જોકે, ત્યાર બાદ અન્ય કોઈ પણ પ્રશ્નના જવાબ આપવાનું કેજરીવાલે યોગ્ય માન્યું ન હતું. 
 
સુરતમાં આપની સભામાં હુમલાને હાઈલાઈટ કરવાની ગોપાલની મનની મનમાં રહી ગઈ  
 
સુરતમાં આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારો અને છરાબાજીના બનાવને ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા કેજરીવાલ પાસે બોલાવીને હાઈલાઈટ કરાવવા માગતા હતા. તેથી પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલીયાએ અન્ય કોઈ વાત કરવાના બદલે મારી સભામાં પથ્થરમારો થયો અને લિંબાયતમાં ભાજપના ગુંડાએ છરાબાજી કરી તથા મુંબઈમાં આપ ના ઉમેદવારને ગાડીથી કચડી કાઢવાના પ્રયાસ કર્યો સહિતના આક્ષેપ કર્યા હતા.  
 
જોકે, કેજરીવાલે આ ઘટનાને વધુ હાઈલાઈટ ન આપીને ભાજપ ડરી ગઈ છે અને લોકો સાથે ઝઘડા પર ઉતરી આવી છે તેટલું કહીને સરકારી કર્મચારીઓની વાત કરી હતી. આ વાત વચ્ચે ગોપાલે કેજરીવાલને લખાણ પણ આપ્યું હતું તેમ છતાં કેજરીવાલે હુમલાની ઘટનાને હાઈલાઈટ કરવાના બદલે સરકારી કર્મચારીઓને જ સંબોધન કર્યું હતું. 
 
સુરતમાં જે રીતે ઘટના બની રહી છે તેના પર અનેક ચર્ચા થઈ રહી છે  જેના કારણે કેજરીવાલે આ ઘટનાને હાઈલાઈટ ન કરી હોવાની વાત થઈ રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર