જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એક તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલ સરકારને હંફાવી રહ્યો છે, તો બીજી બાજુ પાટીદાર આંદોલનમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. રાજકોટના પડધરી તાલુકામાં હાર્દિક પટેલ અને પાસના માણસો પર પ્રવેશ પ્રતિબંધ લગાવતા પોસ્ટરો લાગ્યા છે.
પડધરીમાં રેલવે ફાટક પાસે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, આ પોસ્ટરમાં નીચે લેઉઆ પટેલ સમાજ, પડધરી લખેલું છે, થોડા સમય પહેલા જ પડધરીથી 10 કિમી દૂર તરઘડીમાં હાર્દિકે પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી. ત્યારે આ પ્રકારના પોસ્ટર હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે. હાર્દિક પટેલ હાલ રાજકોટ પાસેના તરઘડી ગામ નજીક ટૂંકી મુલાકાતે રોકાયો હતો. તે દરમિયાન હાર્દિકે કહ્યું હતું કે, સીએમની બેઠક વિસ્તારના ઘરે ઘરે મુલાકાત લઇશું અને લોકોને સરકારની ગુંડાગર્દી છતી કરીશું. ચૂંટણી ટાણે મારો વિરોધ થાય એ મને ગમે છે. જીએસટીનો મુદ્દો, બેરોજગારીનો મુદ્દો લોકો સમક્ષ રજૂ કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરીશું.