2 નવેમ્બરનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો સુરત પ્રવાસ પાંચ દિવસ પાછળ ઠેલાયો છે.આ પ્રવાસને છેલ્લી ઘડીએ મોકૂફ કરવામાં આવ્યો છે. હવે તેઓ 7 નવેમ્બરના દિવસે મંગળવારે સુરત આવી રહ્યા હોવાનું ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૩જી નવેમ્બરે સુરતમાં છે. તેમના એક દિવસ અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો સુરત પ્રવાસ ગોઠવાયો હતો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે રાષ્ટ્રીય સ્તરના નેતાઓનો ઉપરાઉપરી સુરત પ્રવાસ નક્કી થતાં શહેરમાં રાજકીય સળવળાટ તેજ બન્યો છે.
આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો સુરત પ્રવાસ ગઈ કાલે મોડી સાંજે પડતો મુકાયો હોવાનું જાહેર થયું હતું. અમિત શાહ 2 નવેમ્બરના બદલે હવે 7 નવેમ્બરે સુરત આવી રહ્યા હોવાનું જાહેર કરાયું હતું. બે દિવસ બાદ યોજાનારો સંપૂર્ણ કાર્યક્રમ હવે 7 નવેમ્બરે આ જ શિડયુલ હેઠળ યોજવામાં આવશે. શાહ સુરતમાં ચૂંટાયેલા સભ્યો અને શહેર ભાજપના આગેવાનો સાથે મોટી સંકલન બેઠક યોજશે. આ ઉપરાંત વોર્ડ કક્ષાએ સંગઠનમાં કામ કરી રહેલા કાર્યકર્તાઓને પણ સંબોધન કરશે એવું ભાજપના વર્તુળોએ ઉમેર્યું હતું.