ગુજરાતના શહેરી વિસ્તારોમાં છેલ્લા ૨૦-૨૨ વર્ષથી કોંગ્રેસનો જનાધાર નથી એ બાબત તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વાર સાબિત થઈ છે. પરીણામે રાજ્યના મહાનગરોમાં મુખ્યત્વે રાજકોટ, સુરત અને વડોદરામાં કોંગ્રેસના દેખાવ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અલગથી સમીક્ષા હાથ ધરી છે. રાહુલ ગાંધીએ પ્રદેશ સમિતિ અને પોતાની ટીમ પાસે ચૂંટણી પહેલાં કરાવેલાં સરવેથી ઉલટા આવેલાં પરીણામોમાં મુખ્યત્વે આ શહેરોમાં ઉમેદવારોની પસંદગીમાં કચાશ રહી ગઈ? જ્ઞાતિ-જાતિના સમીકરણોમાં થાપ ખાઈ ગયા કે પછી લોકોનો મૂડ પારખવામાં ભૂલ થઈ? વગેરે કારણોની તપાસ કરીને અહેવાલ તૈયાર કરવા આદેશ કર્યો છે. કોંગ્રેસના ચૂંટણી પહેલાંના સરવેમાં રાજકોટમાંથી બેથી ત્રણ, સુરતમાં ત્રણથી ચાર અને વડોદરામાં બેથી ત્રણ બેઠક મળવાનો આશાવાદ હતો, એવી જ રીતે અમદાવાદ શહેરની બે બેઠક વધીને ચાર થવાની ધારણા હતી. જેમાં માત્ર અમદાવાદમાં જ કોંગ્રેસનો આશાવાદ ફળ્યો છે, જ્યારે બાકીના ત્રણ મહાનગરોમાં શહેરી મતદારોએ ફરીથી કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂક્યો નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૦૧૭ની ચૂંટણીમાં મહાનગરોના નાગરિકોને આકર્ષવા માટે રોડ-શોથી માંડીને સભાઓ યોજી હતી, પરંતુ તેમાં તેમને સફળતા મળી નથી તેવું પરીણામ પરથી જણાય છે. રાહુલના આ કાર્યક્રમો ચૂંટણી પહેલાં કરાવેલાં ખાનગી સરવેના આધારે ગોઠવવામાં આવ્યા હોવાથી હવે રાહુલ ગાંધીએ મહાનગરોની બેઠકો કબજે કરવામાં કોંગ્રેસની ગણતરી ક્યાં ખોટી પડી તેનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યું છે. ભાજપના ગઢ સમાન આ જિલ્લાઓના જોરે જ ભાજપ સત્તામાં આવી છે જ્યારે આ શહેરોમાં કોંગ્રેસને ધારણા કરતાં ઓછી બેઠક મળી અને સત્તાથી દૂર રહેવાની નોબત આવી છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ શહેર-જિલ્લાની કુલ આઠ બેઠકમાંથી શહેરની ચારમાંથી બે બેઠક મળે તેવો અંદાજ સેવાતો હતો પરંતુ શહેરમાંથી કોંગ્રેસ ખાતુ ખોલાવી શકી નથી. અલબત્ત, જિલ્લાની જસદણ અને ધોરાજી બેઠકની જીત કોંગ્રેસ માટે આશ્વાસન સમાન છે. ૨૦૧૨માં સુરત શહેરમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. આ વખતે GST અને નોટબંધીના મુદ્દે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ભાજપનું ધોવાણ થાય તેવું વાતાવરણ જામ્યું હતું, પરંતુ ચૂંટણી પરીણામો ધારણાથી તદ્દન વિપરીત અને કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. જિલ્લાની એક માત્ર માંડવી બેઠક જાળવી રાખવામાં કોંગ્રેસ સફળ રહી છે. વડોદરામાં શહેરની પાંચ અને જિલ્લાની પાંચ મળી કુલ ૧૦ બેઠક છે. કોંગ્રેસને ચૂંટણી પ્રચાર દરમિયાન સાંપડેલાં પ્રતિસાદને કારણે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ઓછામાં ઓછી બેથી ત્રણ બેઠક આંચકી લેશે તેવી ધારણા સેવાતી હતી, પરંતુ શહેરોમાં રાજકોટ અને સુરતનું પુનરાવર્તન થયું અને કોંગ્રેસ એક બેઠક પણ મેળવી શકી નથી. અલબત્ત, જિલ્લાની કરજણ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં કોંગ્રેસ સફળ રહી છે.