બુધવારે પહેલી કેબિનેટ મળશે, કોને કયું ખાતુ ફળવાશે. શું છે અટકળો

મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (17:16 IST)
શપથવિધિનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે વિજય રુપાણીની નવનિર્મિત સરકારની પહેલી કેબિનેટ મિટિંગ મળશે. 27મી ડિસેમ્બરે સવારે 10 વાગ્યે પહેલી કેબિનેટ મિટિંગ મળશે, જેમાં  શપથ લેનારા મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવશે. હાલ ચાલતી અટકળો અનુસાર, મહત્વના ખાતાંનો હવાલો સીએમ પોતાની પાસે જ રાખી શકે છે, જ્યારે નીતિન પટેલને નાણાં તેમજ અન્ય કેટલાક મહત્વના વિભાગ મળી શકે છે. નીતિન પટેલ ગત સરકારમાં પણ નાણાં મંત્રી તરીકેની કામગીરી બજાવતા હતા. આ ઉપરાંત, પહેલી વાર કેબિનેટ મંત્રી બનાવાયેલા અન્ય નેતાઓને કયા ખાતાં મળે છે તેના પર પણ સૌની નજર છે.

સીએમ પોતાની પાસે સામાન્ય વહીવટ, ખનીજ, બંદર, માહિતી, ગૃહ, ઉદ્યોગ, ક્લાઈમેટ ચેન્જ જેવા ખાતા સહિત 12 ખાતા રહી શકે છે. જ્યારે નીતિન પટેલ નાણાં, માર્ગ-મકાન, નર્મદા, કલ્પસર જેવા ખાતા સંભાળી શકે છે. જયેશ રાદડિયા પાસે અન્ન અને નાગરિક પુરવઠા ખાતું આવી શકે છે. જ્યારે ઈશ્વર પરમાર પાસે સામાજિક ન્યાય, રમણ પાટકર પાસે પંચાયત અને ગૃહ નિર્માણ, પરસોત્તમ સોલંકી પાસે મત્સ્ય અને પશુપાલન, ભૂપેન્દ્રસિંહ પાસે શિક્ષણ અને મહેસૂલ, પ્રદીપસિંહ પાસે ગૃહ, કાયદો અને સંસદીય વિભાગ (રાજ્યકક્ષા અથવા સ્વતંત્ર હવાલો), કુમાર કાનાણી પાસે જળ સંસાધન, ઈશ્વર પટેલ પાસે સહકાર વિભાગ, વાસણ આહિર પાસે સ્પોર્ટ્સ અને સંસ્કૃતિ, સૌરભ પટેલ પાસે ઊર્જા અને લઘુ ઉદ્યોગ, ફળદુને કૃષિ, જયદ્રથસિંહ પાસે માર્ગ-મકાન અને ઉચ્ચ ટેકનિકલ જેવા ખાતાં આવી શકે છે.  આનંદીબેનના વિશ્વાસુ કહેવાતા સૌરભ પટેલને રુપાણીએ પોતાની પહેલી ટર્મમાં પડતા મૂક્યા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર