ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેટલાંય અસંતુષ્ટ કોંગ્રેસીઓએ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝૂકાવ્યુ છે. કોંગ્રેસના જ ઉમેદવારો સામે ચૂંટણી લડતા બળવાખોરોને સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે. કોંગ્રેસે પૂર્વ નાણાંમંત્રી બાબુ મેઘજી શાહ સહિત કુલ મળીને ૧૫ કોંગ્રેસીઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. અમદાવાદમાં વટવાના મ્યુનિ.કોર્પોરેટર અતુલ પટેલ,નરોડામાં કશ્યપ રાજકુમાર,ઘાટલોડિયામાં બુધાજી ઠાકોર,અસારવામાં લલિત રાજપરાને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયાં છે.
પ્રદેશ ડેલિગેટ માવજીભાઇ પટેલ થરાદ મતવિસ્તારમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે તેમને પણ સસ્પેન્ડ કરાયાં છે. પ્રાંતિજમાંથી રાજેન્દ્રસિંહ ઝાલા,હિંમતનગરમાંથી ચંદ્રકાન્ત પટેલ,કાંકરેજમાંથી લેબુંજી ઠાકોરને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. લુણાવાડા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન રતનસિંહ રાઠોડ,બેચરાજીમાંથી કિરીટ પટેલ,ખેરાલુમાંથી મુકેશ દેસાઇ,પંચમહાલના મોરવાહરફમાંથી ભૂપત ખાંટને કોંગ્રેસે ઘરનો રસ્તો દેખાડી દીધો છે. હજુય ઘણાં બળવાખોરો પર કોંગ્રેસે નજર રાખી છે. તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે, પક્ષવિરોધી પ્રવૃતિ કોઇપણ ભોગે ચલાવી નહી લેવાય. ચૂંટણીમાં પક્ષને નુકશાન કરનારને બક્ષવામાં આવશે નહીં.