કોંગ્રેસના બળવાખોરોને શંકરસિંહના પક્ષની નહીં પણ ભાજપની ટિકીટ જોઈએ છે
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:55 IST)
ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા, તેના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા 12 ધારાસભ્યોમાંથી 9 સભ્યો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી લડે તેવી શક્યતા છે. આ ધારાસભ્યોમાં તેજશ્રી પટેલ, પ્રહલાદ પટેલ, રાઘવજી પટેલ વગેરેનો સમાવેશ થાય છે. આ સભ્યોએ તો પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ દિગ્ગજ વડા અને રાજ્યસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી લડીને હારી જનાર બળવંતસિંહ રાજપુતને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ચેરમેનનું પદ મળે તેવી શક્યતા છે. રાજ્યસભા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ક્રોસ વોટિંગ કરનારા સાણંદના MLA કરમસી પટેલ તેમના પુત્ર છનાભાઈ ચૌધરી માટે ટિકિટ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. બાંસડાના છનાભાઈ ચૌધરીએ તેમના કથળેલા સ્વાસ્થ્યને કારણે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહે હજુ સુધી ભાજપ કે જન વિકલ્પ મોરચામાં જોડાવાનો નિર્ણય કર્યો નથી.