ગુજરાતમાં અનામતનું આંદોલન ચલાવી રહેલા પાસના કન્વીનર હાર્દિક પટેલની સભાઓથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. હાર્દિક પટેલે કચ્છની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત કાંઇ ભાજપને 7/12ના ઉતારામાં લખી નથી આપ્યું. કચ્છના પાટીદારો વધારે પડતા એનઆરઆઇ હોવાથી કચ્છની બહાર વસે છે બાકી પાટીદારો બધા એક જ છે. તેમણે આંદોલનમાં કચ્છની જનતાનો સહકાર માગ્યો હતો. પાકિસ્તાન પાસે હોવા છતાં કચ્છની પ્રજા સાવ ‘ઠંડી’ હોવાનું જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં શનિવારે દિવસે રાહુલ ગાંધી અને રાત્રે હાર્દિક પટેલે સભા ગજવી હતી પણ હાર્દિક રાહુલનું નામ લીધા વગર કોંગ્રેસ પર ટોણો માર્યો હતો. સાથે જ પાટીદારોના જ કેટલાક જુથો તેની સામે બાંયો ચઢાવતા હોવાને લઇને કહ્યુ હતું કે, મારી સૌથી મોટી ભુલ કે હું તમારુ પ્રતિનિધ્ત્વ કરુ છું. હાર્દિક પટેલે સાબરકાંઠાના પ્રાંતિજના ઘડકણ ખાતે શનિવારે મોડી સાંજે કિસાન મહાસંમેલન યોજ્યુ હતું. હાર્દિક પટેલે સૌ પહેલા તો રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, સાબરકાંઠામાં શનિવારે બે વ્યક્તિ આવ્યા. એક ભાઇ સવારે આવ્યા અને રાત્રે હું આવ્યો. મેં તેમની સભા પણ જોઇ ખુરશીઓ ખાલી હતી અને અહીં બેસવા માટે, હાથ ઉપર કરીને કહ્યું, જો પેલા ભાઇ ઉપર બેસી ગયા છે. આ જ અમારી તાકાત છે. વધુમાં હાર્દિકે કહ્યું કે, મોંઘવારી કારમી બની છે પરંતુ તેની સામે વિપક્ષ જાણે કે નબળો છે. હજુ પણ આગામી ત્રણ વર્ષ સુધી કોઇ જ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી તેમ કહીને હાર્દિકે કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા પર પૂર્ણવિરામ મારી દીધુ હતું. હાર્દિકે કહ્યુ કે,મારી સૌથી મોટી ભુલ કે હું તમારુ પ્રતિનિધ્ત્વ કરુ છું, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર રાજકીય પક્ષમાં જોડાણ કરે તો તેમને ટેકો આપી તેમનો સમાજ સ્વીકારી લે છે અને અહીં હું સહેજ વાત કરુ તો આપણા જ કેટલાક લોકોને કાંઇક થાય છે.