3 વર્ષથી એક જ બસમાં મુસાફરી કરતા વેપારીના 47 લાખ ચોરનાર ડ્રાઈવર અને કંડક્ટર ઝડપાયા

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (14:56 IST)
The driver and conductor who stole 47 lakhs
બેગની ચોરી કરવા લકઝરી બસ ઢાબા ખાતે ઉભી રાખે અને વેપારી જમવા નીચે ઉતરતાં જ ચોરી કરી
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓને ઝડપીને 47 લાખ કબજે કર્યાં
 
શહેરમાં અન્ય રાજ્યોમાંથી અનેક લોકો બિઝનેસ કરવા માટે આવે છે. પોતાના ધંધાને વધારવા માટે અથવા તો માલની આપ લે કરવા માટે અનેક વેપારીઓ અમદાવાદ આવતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશનો એક વેપારી છેલ્લા ત્રણેક વર્ષથી એક જ લકઝરી બસમાં મધ્યપ્રદેશથી અમદાવાદ આવતો હતો. તેની બેગમાં પૈસા ભરેલા હોવાની ખબર પડતાં જ બસના ડ્રાઈવર અને કંડક્ટરે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. તેમણે 47 લાખ ભરેલી બેગ ચોરી કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓને ઝડપીને 47 લાખ કબજે કર્યા હતાં અને આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 
 
વેપારીની બેગમાંથી પૈસા ચોરવાનો પ્લાન બનાવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના વેપારી તેજારામ પ્રજાપતિ છેલ્લા ત્રણેક વર્ષથી એક જ લકઝરી બસમાં મુસાફરી કરીને અમદાવાદ ધંધાર્થે આવતા હતાં. તેઓ દર અઠવાડિયે ભોપાલ ખાતેથી અમદાવાદ આવવાના સમયે મોટી રોકડ રકમ બેગમાં લઇને આવતા હોવાનું લકઝરી બસના કંડક્ટર અને ડ્રાઈવરના ધ્યાને આવ્યું હતું. જેથી તેમણે વેપારીની બેગમાંથી પૈસા ચોરવાનો પ્લાન બનાવ્યો હતો. તેમણે ભોપાલથી અમદાવાદ ખાતે આવવાના સમયે પેસેન્જરોને જમવા માટે લકઝરી સોનકચ્છ નજીક આવેલ પપ્પુ ઢાબા ખાતે લકઝરી ઉભી રાખી હતી.જ્યાં વેપારી તેજારામ જમવા માટે નીચે ઉતર્યા હતાં તે સમયે આરોપી કંડકટર હિરાલાલના ભાઇ ભેરાલાલને તેની બેગની ચોરી કરવા માટેનો પ્લાન બનાવી તેને પણ ચોરીના પ્લાનમાં સામેલ કર્યો હતો. 
 
આરોપી રૂપિયા ભરેલ બેગની ચોરી કરી ત્યાંથી નિકળી ગયો
ઘડેલ પ્લાન મુજબ ત્રણેય આરોપીઓ 23 જુલાઈના રોજ અમદાવાદથી ભોપાલ ખાતે લકઝરી બસમાં આવેલ. 24 જુલાઈના રાત્રે નવેક વાગે રાબેતા મુજબ લકઝરી બસ પપ્પુ ઢાબા ખાતે પેસેન્જરોને જમવા માટે ઉભી રહેલ આ સમયે કંડકટર હિરાલાલે તેના ભાઇ ભેરાલાલને ઇશારો કરી વેપારીની બેગ બતાવી દિધી હતી. જેથી આરોપી ભેરાલાલ તે રોકડ રૂપિયા ભરેલ બેગની ચોરી કરી ત્યાંથી નિકળી ગયો હતો. જે ચોરીમાંથી મળેલ રૂપિયા 47 લાખના ભાગ પાડી ત્રણેય આરોપીઓ રાજસ્થાન ખાતે જઇ રહેલ તે સમયે પકડાઈ ગયાં હતાં. આરોપીઓ પૈકી બે આરોપીઓ શ્રીનાથ ટ્રાવેલ્સની બસ અમદાવાદથી ભોપાલના રૂટમાં ડ્રાઇવર તથા કંડકટર તરીકે કામ કરતાં તેમજ ત્રીજો આરોપી કંકટરનો ભાઇ થાય છે.

સંબંધિત સમાચાર

Next Article