Junagadh Crime - જૂનાગઢમાં માતાએ જ બાળકીને નદીમાં નાંખી હોવાનું કબૂલ્યું, પોલીસે ડોગ સ્ક્વોર્ડની મદદથી બાળકીને શોધી

શનિવાર, 29 જુલાઈ 2023 (14:30 IST)
junagadh news
માતાએ વહેલી સવારે બાળકીને નદીમાં નાંખી પછી જાણે કશું થયું જ નથી તેમ શોધખોળ હાથ ધરી
 
Junagadh Crime - ગઈકાલે માળીયા પોલીસ સ્ટેશન ખાતે એક પિતાએ પોતાની 5 માસની બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. જ્યારે બાળકીના મૃતદેહ પર ઈજાના કોઈ પણ પ્રકારના નિશાન નહોતા મળ્યા.ત્યારે હવે બાળકીની માતાએ જ બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાનું હોવાનું પોલીસ સમક્ષ કબૂલી લેતા ખળભળાટ મચી ગયો છે.  
 
બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે વહેલી સવારે છ વાગ્યે માતાએ બાળકીને ઉપાડીને નજીકમાં આવેલી નદીમાં નિર્દયતાથી ફેંકી દીધી હતી. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ બાળકીની માતા કશું જ ન થયું હોય એમ ઘરે આવી ગઈ હતી. તેણે પરિવારજનોને બાળકીને જોઈ છે કે કેમ એવું પૂછતાં જ ઘરમાં શોધાશોધ કરતા પણ બાળકી જોવા ન મળતા પરિવારજનોએ બાળકીની અડોસપડોસમાં શોધખોળ હાથ ધરી પરંતુ બાળકીનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. બાળકીના પિતાએ માળિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. 
 
બાળકીનું મોત ડૂબી જવાથી થયું 
સવારે છ વાગ્યાથી ગાયબ બાળકીને શોધવા માટે પરિવારજનોની સાથે સાથે પોલીસે પણ પોતાના પ્રયાસો હાથ ધર્યા. પોલીસે તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડની મદદ પણ લીધી હતી. ડોગસ્ક્વોડની મદદથી જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો સ્નેગી ડોગ સૂંઘતા-સૂંઘતા પોલીસ જવાનોને બાળકીના ઘરેથી સીધા નદીએ લઈને પહોંચ્યા હતા. પોલીસે ત્યાં જઈને જોયું તો નદીમાં બાળકીનો મૃતદેહ પડ્યો હતો. આ મૃતદેહ જ્યારે મળી આવ્યો ત્યારે તેના પર ઈજાના કે અન્ય કોઈ પણ પ્રકારના નિશાન નહોતા, જ્યારે પ્રાથમિક ધોરણે બાળકીનું મોત ડૂબી જવાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. 
 
માતાએ જ બાળકીનો ભોગ લીધો
આ સમગ્ર મામલે એફએસએલની મદદ પણ લેવાઈ છે જેનો રિપોર્ટ આજે સાંજે સુધીમાં આવશે. ત્યારે આ દરમિયાન આજે વહેલી સવારે 4 વાગ્યે જ માતાએ બાળકીનો આ રીતે નિર્દયતાથી ભોગ લીધો હોવાનું કબૂલતા ખળભળાટ મચી ગયો છે. બાળકની માતાએ પોતે જ વહેલી સવારે બાળકીને નદીમાં ફેંકી ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. સાથે જ તેના પરિવારજનો દ્વારા દુઃખ-ત્રાસ આપતા હોવાથી આ પગલુ ભર્યાનું જણાવ્યું છે. માતાના નિવેદન પ્રમાણે, તેને બીક હતી કે બાળકીને પણ પરિવારજનો દ્વારા આ પ્રકારનું દુઃખ-ત્રાસ અપાશે તેવી માન્યતા રાખીને બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાનું પગલુ ઉઠાવ્યું છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર