માતાએ ઠપકો આપતાં દીકરીએ માથાકૂટ કરી અને ત્યાર બાદ ઢીમ ઢાળી દીધું
જૂનાગઢઃ કપાતર પુત્રીએ માતાનું ઢીમ ઢાળી દીધું હોવાની ઘટના સામે આવી છે. ઈવનગરમાં એક મહિલાની લોહીથી લથપથ હત્યા કરાયેલી લાશ પડી હોવાની પોલીસને માહિતી મળી હતી. કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થ મારી મહિલાની હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાની હત્યા પ્રેમાંધ બનેલી સગી દીકરીએ જ કરી છે. પોલીસે હત્યારી દીકરીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માથાના ભાગે 17થી વધુ ઘા મારી હત્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢ તાલુકાનાં ઈવનગરમાં રહેતા દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયાપોતાના પતિ અને સંતાનો સાથે રહે છે. ગત રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં લોહીથી લથપથ હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. માથાના ભાગે 17થી વધુ ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસની પુછપરછમાં દીકરીએ ગુનો કબૂલ્યો
આ ઘટનામાં પોલીસે સૌ પ્રથમ પરિવારની જ પૂછપરછ કરી પરંતુ કોઈ કડી મળી નહોતી. હત્યા થયા બાદ ઘરમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા અંતે પોલીસે તપાસની દિશા બદલી અને પરિવારજનો ઉપર સ્થિત કરી હતી. તપાસ કરતા દક્ષાબેન બામણીયાની પુત્રી મીનાક્ષી પર પોલીસને વધુ શંકા જવા લાગી જેથી પોલીસે મિનાક્ષી પર વધુ વોચ ગોઠવી દીધી હતી. જૂનાગઢ પોલીસે ઊંડાણપૂર્વક પોલીસે કરી મીનાક્ષીને બોલાવીને આગવી ઢબે પુછપરછ કરતાં મીનાક્ષી ભાગી પડી હતી અને હત્યાની કબુલાત કરી લીધી હતી.
પોલીસે આરોપી દીકરીની ધરપકડ કરી
પોલીસની પુછપરછમાં મીનાક્ષીએ ગુનો કબૂલતાં કહ્યું હતું કે,તેને ગામમાં રહેતા એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને આ યુવાન તેને મળવા રાત્રે આવ્યો હતો. અગાઉ પણ આ યુવાન સાથે મને માતાએ પકડી લીધી હતી અને ઠપકો આપ્યો હતો. જ્યારે શુક્રવાર રાત્રે મીનાક્ષીનો પ્રેમી તેને મળવા આવવાનો હતો અને માતા દક્ષાબેનને તેની જાણ થઈ હતી. જેથી મીનાક્ષીને ઠપકો આપ્યો હતો. બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાકૂટ બાદ મોડી રાત્રે મીનાક્ષીએ પોતાના ઘરના સીસીટીવી બંધ કરીને માતાને 17 જેટલા પાનાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. હાલ તો પોલીસે આરોપી દીકરીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને મળવા આવેલો પ્રેમી આ હત્યામાં સામેલ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.