સસરાના ત્રાસથી પુત્રવધૂનો આપઘાત,તલોદમાં અડપલાથી ત્રાસેલી પરિણીતાએ ગળાફાંસો ખાધો

Webdunia
મંગળવાર, 17 મે 2022 (09:42 IST)
તલોદમાં બે દીકરીઓની માતા એવી 26 વર્ષીય પરિણીતાએ નઠારા સસરાની હરકતો અને અડપલાથી તંગ આવી જઈ શનિવારે સાંજે ઘરમાં જ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. મોતને વ્હાલું કરતાં પહેલા યુવતીએ સ્યુસાઇડ નોટ લખી સસરાની કરતૂતોનો ચીઠ્ઠો ખોલી નાખતા સૌ કોઈએ ફિટકાર વરસાવ્યો હતો.પ્રભુલાલ ભંવરલાલ લખારા (રહે. શંભુપુરી કી ઘાટી હિરણનગરી સેક્ટર 6 ઉદેપુર)ની દીકરી સુનીતાબેન ઉર્ફે સરિતાબેનના લગ્ન તલોદ ખાતે રહેતા ધર્મેન્દ્રકુમાર સ/ઓ મીઠાલાલ મીયારામ લખારા સાથે થયા હતા.

અને તેમને એક ચાર વર્ષની અને બીજી પાંચ માસની દીકરી હતી. સુનીતાબેન અવારનવાર તેમના માતા પિતાને ફરિયાદ કરતા હતા કે તેમના સસરા ખરાબ નજરે જુએ છે. અને કંઈક કહેવા જાય તો ઝઘડો કરે છે. તા. 06/04/22ના રોજ સુનીતાબેન તેમના પતિ સાથે પિયરમાં ગયા હતા. ત્યારે પણ આ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તા.10/05/22ના રોજ મીઠાલાલ આવ્યા ત્યારે તેમને પણ સમજાવ્યા હતા કે અમારી દીકરીની ભૂલ વાંક હોય તો અમને જણાવજો તેને અમે સમજાવીશું. તમે તેને ત્રાસ ન આપશો કહી ઠપકો કર્યો હતો.ત્યારબાદ તા.14/05/22ના રોજ જમાઈ ધર્મેન્દ્રકુમારે ફોન કરીને સુનીતાબેને (ઉ.વ. 26) સ્યુસાઈડ કર્યાની જાણ કરતા રૂબરૂ તલોદ દોડી આવી તપાસ કરતા મૃતકના કપડામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. અને હિન્દીમાં લખેલ સ્યુસાઇડ નોટમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે સસરા મીઠાલાલ અવારનવાર ખરાબ નજરથી જોતા હતા અને શારીરિક અડપલા કરી વશ ન થતા ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પિતા પ્રભુલાલે ફરિયાદ નોંધાવતાં તલોદ પોલીસે સસરા મીઠાલાલ મીયારામ લખારા વિરૂદ્વ મરવા સુધીનું દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 26 વર્ષીય પરિણીતાના મોતનું કારણ બહાર આવતા લોકોએ સસરા પર ફિટકાર વરસાવ્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article