સુરતના કાપોદ્રામાં કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતા ધોરણ-10ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ લીધો હતો. વિદ્યાર્થીએ સુસાઈડમાં કાકાને ખોટી શંકા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.મૂળ ભાવનગરના અને નાના વરાછામાં પશુપતિનાથ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મકવાણા મંદિર બનાવવાનું કામ કરે છે. તેમનો 16 વર્ષીય પુત્ર મૌનિકે ધો- 10ની પરીક્ષા આપી હતી. મૌનિકે શનિવારે ઘરમાં રસોડમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મોનિકને સવારે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પરિવારના સભ્યોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
જેમાં પોલીસને મોનિકે લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.મોનિકે કાકાએ વ્યક્ત કરેલી શંકા ખોટી હોવાનો તેમજ તેના કારણે દુઃખ થયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કાકાએ આપેલા ઠપકાના કારણે ખોટું લાગી આવતાં મૌનિકે આપઘાત કર્યો હોવાનું પણ સુસાઈડ નોટમાં હતું. મૌનિકને અન્ય એક ભાઈ અને એક બહેન છે. પીએસઆઈ કે. પી. ચાવડાએ જણાવ્યું હતું કે કાકાએ ખોટી શંકા વ્યક્ત કરી ઠપકો આપ્યો હતો. આમ, કાકાની વાતનું ખોટું લાગી આવતાં મૌનિકે પગલું ભર્યું છે.