ભારતે ઑસ્ટ્રેલિયાને 24 રને હરાવીને ટી-20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

Webdunia
મંગળવાર, 25 જૂન 2024 (10:03 IST)
India vs aus - વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 24 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. 27 જૂને ભારત ઇંગ્લેન્ડ સામે સેમી-ફાઇનલ રમશે.
 
ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ભારતને પહેલી બેટિંગ આપી હતી. ભારતીય ટીમે આક્રમક બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયા સામે 206 રનનો લક્ષ્યાંક રાખ્યો.
 
ભારત તરફથી કૅપ્ટન રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરતા 41 બૉલમાં 92 રન ફટકાર્યા હતા. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે 16 બૉલમાં 31 અને હાર્દિક પંડ્યાએ 17 બૉલમાં 27 રન કર્યા હતા.
 
ઑસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને સ્ટૉયનિસને બે-બે વિકેટો મળી હતી. જોકે, ઑસ્ટ્રેલિયાના જૉસ હેઝલવુડે પોતાની ચાર ઑવરમાં માત્ર 14 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
 
ભારતના લક્ષ્યાંકનો જવાબ આપવા માટે ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમને ડેવિડ વૉર્નરના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. જોકે, કૅપ્ટન મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે આક્રમક બેટિંગ કરી હતી.
 
કૅપ્ટન મિચેલ માર્શ નવમી ઑવરમાં કુલદીપ યાદવનો શિકાર બન્યા હતા. ત્યારબાદ સમયાંતરે ઑસ્ટ્રેલિયાની વિકેટો પડતી રહી. જોકે, ઑસ્ટ્રેલિયાના આક્રમક બૅટ્સમૅન ટ્રેવિસ હેડ બીજે છેડે આક્રમક બેટિંગ કરી રહ્યા હતા. ઑસ્ટ્રેલિયાની ઇનિંગની 17મી ઓવરમાં ટ્રેવિસ હેડ બુમરાહનો શિકાર બન્યા અને ત્યારબાદ મૅચ પર ભારતની પકડ મજબૂત બની હતી. ભારતે આપેલા 206 રનના લક્ષ્યાંક સામે ઑસ્ટ્રેલિયા 20 ઓવરનાં અંતે સાત વિકેટ ગુમાવીને 181 રન જ કરી શક્યું.
 
ભારત તરફથી અર્શદીપસિંહે સૌથી વધારે ત્રણ વિકેટો ઝડપી હતી. કુલદીપ યાદવે પણ બે સફળતા મેળવી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી.
 
આ સાથે જ ભારતે ટી-20 વર્લ્ડ કપના સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ ઑસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં પ્રવેશની આશા બાંગ્લાદેશ પર નિર્ભર છે. બાંગ્લાદેશ જો મંગળવારે અફધાનિસ્તાન સામેની મૅચ જીતશે તો ઑસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં આવશે. અફધાનિસ્તાન જો બાંગ્લાદેશ સામે મૅચ જીતશે તો પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપના સેમી-ફાઇનલમાં પહોંચશે.

સંબંધિત સમાચાર

Next Article