મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરના 26 વર્ષીય વ્યક્તિની સોનાક્ષી સિંહાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેત્રીએ 7 ઓગસ્ટે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સોનાક્ષીએ તાજેતરમાં જ મહિલા સુરક્ષા અને સાયબર ગુંડાગીરી અને ઉત્પીડન અંગેનો એક વીડિયો બનાવ્યો હતો અને તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ વીડિયો પર મહિલાઓ વિશે અશ્લીલ ટિપ્પણી કરી હતી અને બોલિવૂડની કેટલીક હસ્તીઓ વિશે અપશબ્દો કહ્યા હતા. સાયબર પોલીસ મથકે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ સાયબર પોલીસ આઈપી એડ્રેસ અને અન્ય કડીઓની મદદથી ઔરંગાબાદના તુલજી નગરના શશીકાંત ગુલાબ જાધવ સુધી પહોંચી હતી, જેણે આ ટિપ્પણી કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે જાધવને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જયા તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. તમને જણાવી દઇએ કે અગાઉ સોનાક્ષીએ ટ્રોલિંગને કારણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સોશ્યલ મીડિયા પર ઘણું નકારાત્મક વાતાવરણ થઈ રહ્યું છે.