કલમ 370 અનંત કાળ માટે ઘડાઈ જ નહોતી : શશી થરુર

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (13:19 IST)
લોકસભા સાંસદ અને કૉંગ્રેસના નેતા શશી થરુરે બુધવારે કહ્યું, "કૉંગ્રેસ અનુચ્છેદ 370ને અનંતકાળ સુધી અમલમાં રાખવાની તરફેણમાં નથી કારણ કે અનંત કાળ માટે તેની રચના જ થઈ નથી."
ઇન્ડિયન એક્સ્પ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, "જે રીતે કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો દૂર કરવામાં આવ્યો એ બંધારણની ભાવનાનું ઉલ્લંઘન હતું."
"નહેરુજીએ પણ કહ્યું હતું કે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી 370 રહેવી જોઈએ, હંમેશાં માટે નહીં. નેશનલ કૉન્ફરન્સ જેવા પક્ષો તેની તરફેણમાં કેમ નથી તે સમજાવવાની તેમને તક મળવી જોઈતી હતી."
"આપણે જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે એવું જ વર્તન કર્યું જેવું પાકિસ્તાન ગિલગિટ, બાલ્ટિસ્તાન કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે કરી રહ્યું છે."
તેમનું નવું પુસ્તક 'ધ હિન્દુ વે' પ્રકાશિત થઈ રહ્યું છે, ત્યારે તેમણે કહ્યું કે અયોધ્યામાં રામમંદિર બાબતે ઊંડી શ્રદ્ધા સંકળાયેલી છે. "અન્ય ધર્મના ધાર્મિક સ્થળને દૂર કર્યા વિના આદર્શ રીતે ત્યાં એક મંદિર હોવું તો જોઈએ."
 
એવા નેતૃત્વની જરૂર જે નીડર થઈને પીએમ સાથે દલીલ કરી શકે - મુરલી મનોહર જોશી
ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ મંગળવારે કહ્યું કે ભારતને એવા નેતાની જરૂર છે જે વડા પ્રધાન સામે નીડર થઈને વાત કરી શકે અને દલીલ કરી શકે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પક્ષની મર્યાદાથી બહાર નીકળીને ચર્ચા કરવાની પરંપરા લગભગ ખતમ થઈ ગઈ છે અને તેને ફરી શરૂ કરવી પડશે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ આ પહેલાં જુલાઈ મહિનામાં કૉંગ્રેસના નેતા જયપાલ રેડ્ડીના અવસાન બાદ તેમની શ્રદ્ધાંજલિ વખતે પણ આ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, "મારું માનવું છે કે એવા નેતૃત્વની જરૂર છે જે બેબાક થઈને વડા પ્રધાન સાથે સિદ્ધાંતો આધારીત ચર્ચા કરી શકે, વડા પ્રધાન ખુશ થશે કે નારાજ એવી કોઈ પણ પરવાહ કર્યા વગર."
 
પાકિસ્તાન ખીણમાં ઘૂસણખોરી કરાવી રહ્યું છે- આર્મી
બે પાકિસ્તાની ઘૂસણખોરને પકડીને તેમની કબૂલાત અંગેનો એક વીડિયો બુધવારે ભારતીય સેનાએ એક પત્રકારપરિષદમાં દર્શાવ્યો.
આ પ્રસંગે 15 કૉર્પ્સના જનરલ ઑફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ જે. એસ. ઢિલ્લોને જણાવ્યું કે હતાશ પાકિસ્તાન ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઘૂસણખોરી કરાવી રહ્યું છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ શ્રીનગરમાં લૉ ઍન્ડ ઑર્ડરના એડિશનલ ડીજી મુનીર ખાન સાથે સંયુક્ત પરિષદમાં તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ 21 ઑગસ્ટના રોજ ગુલમર્ગના સૅક્ટર 21માંથી બે વ્યક્તિની ધરપકડ કરી છે, જેમણે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોયબા સાથે સંબંધ હોવાનું કબૂલ્યું છે.
સેનાએ કહ્યું કે 5 ઑગસ્ટ બાદ પાકિસ્તાને ઘણા પ્રયત્નો કર્યા છે અને 21 ઑગસ્ટે તેમનો આવો જ એક પ્રયત્ન નિષ્ફળ બનાવી દેવાયો.
આર્મીએ પકડાયેલી બંને વ્યક્તિની કબૂલાત અંગેનો વીડિયો પણ દર્શાવ્યો. વીડિયોમાં એકે પોતાનું નામ મોહમ્મદ નઝીમ જણાવ્યું છે અને બીજાએ મોહમ્મદ ખલીલ. તેઓ રાવલપિંડી, પાકિસ્તનના વતની છે.
આ ધરપકડ વિશે પાકિસ્તાનને જાણ કરી દેવામાં આવી છે.
 
ઈરાન પોતાની પરમાણુ સંધિઓ તોડવા સજ્જ
ઈરાન વિશ્વસત્તાઓ સાથે વર્ષ 2015માં કરાયેલી પરમાણુ સંધિની પ્રતિબદ્ધતા ઘટાડવા જઈ રહ્યું છે.
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું કે યુરેનિયમને સમૃદ્ધ કરવા માટે શુક્રવારથી સેન્ટ્રીફ્યુજ વિકસાવવાનું શરૂ કરાશે.
ગત વર્ષ અમેરિકાએ ઈરાન સાથેનો સંબંધિત કરાર તોડી તેના પર દંડનીય નિયંત્રણો લાદ્યાં હતાં.
તેના જવાબમાં ઈરાને જૂલાઈમાં અન્ય બે સમજૂતી રદ્દ કરી નાખી હતી.
ઈરાને 300 કિલો ગ્રામ શુદ્ધ યુરેનિયમના જથ્થાની મર્યાદા પણ વધારી દીધી છે.
નોંધનીય છે કે ઈરાન હંમેશાં કહેતું આવ્યું છે કે તેનો અણુકાર્યક્રમ માત્ર શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે જ છે.

સંબંધિત સમાચાર

Next Article