ડી. શિવાકુમારની ધરપકડ : ગુજરાતમાં શાહ સામેની એ લડાઈએ પતનનો પાયો નાખ્યો?

બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (09:42 IST)
મંગળવારે રાત્રે ઍન્ફૉર્મમૅન્ટ ડિરેક્ટ્રેટે કર્ણાટક કૉંગ્રેસના દિગ્ગજ નેતા ડી. કે. શિવાકુમારની મની-લૉન્ડ્રિંગના આરોપસર ધરપકડ કરી હતી, કૉંગ્રેસનો આરોપ છે કે સરકાર 'દ્વેષપૂર્વક' કાર્યવાહી કરી છે.
ધરપકડની ગણતરીની મિનિટો બાદ શિવાકુમારના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ થયા, "મારી ધરપકડ કરવાના મિશનમાં સફળ થવા બદલ હું ભાજપના મિત્રોને અભિનંદન પાઠવું છું."
"ઇન્ક્મટૅક્સ તથા ઈડીએ રાજકીય કારણોસર મારી વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. હું ભાજપની દ્વેષની રાજનીતિનો ભોગ બન્યો છું."
શિવા કુમારનું કહેવું છે કે તેમણે કશું ખોટું નથી કર્યું અને ગુજરાતની એક ચૂંટણી દરમિયાન 'ચાવીરુપ ભૂમિકા' ભજવવાને કારણે તેમની સામે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે.
શિવાકુમારે પાર્ટીના કાર્યકરોને દેશના ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખવા આહ્વાન કર્યું હતું અને આ લડાઈને 'રાજકીય તથા કાયદાકીય' રીતે લડવાની વાત કહી હતી.
શિવાકુમાર કર્ણાટકની કનકપૂરા બેઠક ઉપરથી ધારાસભ્ય છે, તેઓ એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વવાળી કૉંગ્રેસ-જેડીએસી યુતિ સરકારમાં પ્રધાન પણ રહ્યા હતા.
 
શાહ સામે શિવા કુમાર
ઑગસ્ટ-2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં હાઈ પોલિટિકલ ડ્રામા પછી અહમદ પટેલનો વિજય થયો હતો.
આ ચૂંટણીમાં જ અમિત શાહ સૌપ્રથમ વાર સંસદમાં પહોંચ્યા હતા. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની સાથે અહેમદ પટેલની જીત થઈ હતી.
ભાજપના અધ્યક્ષ અમિત શાહ એ સમયે વ્યક્તિગત રીતે ચૂંટણી વ્યૂહરચના ઉપર નજર રાખી રહ્યા હતા.
રાજ્યસભાની એ ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવા માટે બેંગલુરુના રિસોર્ટમાં લઈ ગઈ હતી.
કૉંગ્રેસના ધારાસભ્યો સાચવવાની જવાબદારી ડી. કે. શિવાકુમાર અને તેમના ભાઈ એમપી ડી. કે. સુરેશે ઉપાડી હતી.
 
આ ઘટના બાદ ઇન્કમટૅક્સ વિભાગે કૉંગ્રેસના નેતા ડી. કે. શિવાકુમારને ત્યાં અને રિસોર્ટ પર પણ દરોડા પાડ્યા હતા.
એ સમયના મીડિયા અહેવાલો મુજબ ડી. કે. શિવાકુમાર સાથે સંકળાયેલાં 39 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ઇન્ક્મટૅક્સ વિભાગ દ્વારા સતત ત્રણ દિવસ સુધી દરોડાઓની કામગીરી કરવામાં આવી હતી.
ફકત ડી. કે. શિવાકુમાર જ નહીં તેમના સંબંધીઓ અને સગાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
એ દરોડા દરમિયાન જ સીસીડી અને વી. જી. સિદ્ધાર્થ ઇન્ક્મટૅક્સ વિભાગની નજરમાં આવ્યા હતા અને તેમના ઠેકાણાં પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
કથિત રીતે આ કાર્યવાહી બાદ જ સિદ્ધાર્થની પડતી શરૂ થઈ, જે તેમને આત્મહત્યા સુધી દોરી ગઈ.
 
મે-2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 104, કૉંગ્રેસને 80 તથા જનતાદળ-સેક્યુલરને 37 બેઠક મળી હતી.
224 બેઠકમાંથી કુલ 222 બેઠક પેટા ચૂંટણી યોજાઈ હતી.
સૌથી મોટો પક્ષ હોવાને પગલે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બી. એસ. યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
વાળાએ યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે પંદર દિવસનો સમય આપ્યો હતો, જેની સામે કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વાળા તેમની કૅબિનેટમાં પ્રધાન હતા અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ તેમની સાથે જ પ્રધાન હતા.
સુપ્રીમ કોર્ટે બહુમતી સાબિત કરવાની સમયમર્યાદાને ઘટાડીને ત્રણ દિવસની કરી દીધી હતી.
નિર્ધારિત સમયમાં યેદિયુરપ્પા બહુમતી સાબિત કરી શક્યા ન હતા અને તેમણે રાજીનામું ધરી દીધું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર