નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત દરમિયાન 2001ને યાદ કરીને શા માટે ભાવુક થયા?

ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (09:57 IST)
'2001 અને 2019 પળો અને યાદો' આ શીર્ષક સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા સાથેની તેમની જૂની યાદોને વાગોળી હતી.
નવેમ્બર-2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સાથે રશિયાની યાત્રાએ ગયા હતા.
હાલમાં નરેન્દ્ર મોદી ઇસ્ટર્ન ઇકૉનૉમિક ફોરમમાં ભાગ લેવા માટે બે દિવસની યાત્રા ઉપર રશિયા પહોંચ્યા છે.
અહીં બંને દેશો વચ્ચે સંરક્ષણ, અવકાશ, મરીન સહિત 20થી વધુ ક્ષેત્ર સંલગ્ન કરાર પ્રસ્તાવિત છે.
 
મોદી ત્યારે અને અત્યારે... 
વાજપેયી તેમની સાથે એક પ્રતિનિધિમંડળને રશિયા લઈ ગયા હતા, જેમાં નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થતો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તે સમયે પણ રશિયાના રાષ્ટ્રપતિ હતા.
જોકે, રશિયાના બંધારણની જોગવાઈના કારણે વર્ષ 2008થી 2012 દરમિયાન પુતિન રશિયાના વડા પ્રધાનપદે રહ્યા.
વર્ષ 2014થી નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન તરીકે પુતિન સાથે મુલાકાત કરે છે.
 
ગુજરાત અને અસ્રાખાન
એ સમયે ગુજરાત અને અને રશિયાના અસ્ત્રાખાન પ્રાંત વચ્ચે મૅમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ ઉપર હસ્તાક્ષર થયા હતા.
ગુજરાત તરફથી મોદી અને અસ્ત્રાખાન તરફથી ત્યાંના ગવર્નરે આ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
આ કરારનો હેતુ બંને પ્રાંત વચ્ચે વેપાર, સાંસ્કૃતિક આદાનપ્રદાન, તથા આર્થિક વ્યવહાર વધારવાનો હતો.
એ પછીની લગભગ દરેક વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આસ્ત્રાખાનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
20 વાર્ષિક બેઠક; 30 મુલાકાત
આ ગાળામાં ગુજરાતની અનેક કંપનીઓએ ગૅસ, જહાજનિર્માણ, મત્સ્યોદ્યોગ અને ફાર્મા સૅક્ટરની રશિયન કંપનીઓ સાથે વેપારલક્ષી કરાર કર્યા હતા.
મોદીની વ્લાદિવોસ્તક યાત્રા દરમિયાન સંરક્ષણ, ન્યુક્લિયર, અવકાશ, કૃષિ, હીરા, ખાણકામ અને કોલસાક્ષેત્રે કરાર કરવામાં આવ્યા.
ચંદ્રયાન બાદ ભારતના મિશન ગગનયાન માટે અવકાશમાં જનારા ઍસ્ટ્રૉનટ્સ રશિયામાં તાલીમ લેશે.
ભારત અને રશિયા વચ્ચે આ 20મી વાર્ષિક શિખર બેઠક હતી. જ્યારે મોદી અને પુતિન વચ્ચે ત્રીસમી વખત બેઠક થઈ હતી.
મોદી જ્યારે ઝ્વેઝદા શિપયાર્ડ પહોંચ્યા ત્યારે રાષ્ટ્રપતિ પુતિન તેમની સાથે રહ્યા હતા.
વાત વ્લાદિવોસ્તકની...
વડા પ્રધાન મોદીની યાત્રા દરમિયાન વ્લાદિવોસ્તક અને ચેન્નાઈની વચ્ચે મેરિટાઇમ રૂટ શરૂ કરવાના પ્રસ્તાવ ઉપર પણ વિચારણા થઈ.
મોદીએ જે શહેરની મુલાકાત લીધી, તે વ્લાદિવોસ્તકનો ઇતિહાસ પણ રસપ્રદ છે.
વર્ષ 1860માં રશિયા અને ચીન વચ્ચેની આઇગુન સંધિ બાદ જાપાન સાગારની ગોલ્ડન હૉર્ન ખાડીમાં રશિયાની સેના તહેનાત કરવામાં આવી હતી, તેને વ્લાદિવોસ્તક નામ આપવામાં આવ્યું હતું.
1890માં વ્લાદિસ્તોવને શહેરનો દરજ્જો મળ્યો. આ શહેર નૌકાસેનાની અને જહાજવ્યવહારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર