રામજન્મભૂમિ- બાબરી મસ્જિદના વિવાદ બાદ સબરીમાલા સંબંધિત જૂની પરંપરા સાથે સંકળાયેલા ભક્તોની નજર હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે.
કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર રોક છે કારણકે આ આયુવર્ગની મહિલાઓને જ પિરિયડ આવે છે.
લિંગ આધારિત સમાનતાના મુદ્દે કેટલાંક મહિલા વકીલોના એક સમુદાયે વર્ષ 2006માં અદાલતમાં યાચિકા દાખલ કરી હતી.
જોકે હિંદુ ધર્મમાં પિરિયડ્સ દરમિયાન મહિલાઓને 'અપવિત્ર' માનવામાં આવે છે અને ઘણાં મંદિરોમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવે છે.
સબરીમાલા મંદિરના અધિકારીઓએ આ પહેલાં દાવો કર્યો હતો કે તેઓ આ પરંપરામાં માને છે કેમ કે આ મંદિર અયપ્પા ભગવાનનું છે અને તેઓ 'અવિવાહિત' હતા.
એક મોટો વર્ગ એવો છે જેઓ આ પ્રતિબંધનું સમર્થન કરે છે. આ વર્ગ દ્વારા તર્ક રજૂ કરવામાં આવે છે કે આ પરંપરા ઘણાં વર્ષોથી ચાલી આવે છે.
તેમનું એવું પણ કહેવું છે કે શ્રદ્ધાળુઓએ આ મંદિરમાં આવવા માટે ઓછામાં ઓછા 41 દિવસ સુધી વ્રત રાખવું પડે છે અને શારીરિક કારણોસર જે મહિલાઓને પિરિયડ્સ આવતા હોય તેઓ વ્રત કરી શકતી નથી.