વડોદરા શહેરમાં બુધવારે એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
અતિભારે વરસાદને કારણે વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. શહેરનું ઍરપોર્ટ બંધ કરવું પડ્યું છે. તો કેટલીક ટ્રેનો રદ કરવી પડી છે કાં તો એનાં રૂટ બદલવાની ફરજ પડી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8ને બંધ કરી દેવો પડ્યો છે.
શહેરના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યાં છે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ, વડોદરા મહાનગરપાલિકા તેમજ પોલીસદળ બચાવકાર્યમાં જોતરાઈ ગયાં છે.
અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં વડોદરા શહેરમાંથી 400 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જોકે, પ્રથમ નજરે કુદરતી હોનારત ભાસી રહેલી વડોદરાની આ સ્થિતિ પાછળ માનવવાંક જવાબદાર હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
વડોદરાની આફત માનવનિર્મિત?
વડોદરાના વરિષ્ઠ પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિનું માનવું છે કે વડોદરામાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ પાછળ સંપૂર્ણ રીતે મહાનગરપાલિકા જવાબદાર છે.
પ્રજાપતિનું માનવું છે કે વડોદરા શહેરમાંથી થઈને વહેતી વિશ્વામિત્રી નદીના કિનારાની ખરાબ હાલત અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલાં વિકાસનાં કામોએ વડોદરાની આવી હાલત કરી નાખી છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રજાપતિ જણાવે છે, "કોતરોને એ કુદરતી પૂરનિયંત્રણની વ્યવસ્થા ગણવામાં આવે છે."
"નદીમાં આવતું પૂરનું પાણી કોતરોમાં સમાઈ જતું હોય છે અને આ જ કોતરો પૂરનાં પાણીની ઝડપ પણ ઘટાડતાં હોય છે."
"જોકે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વમિત્રી નદીનાં કોતરો બૂરીને આમંત્રણ આપીને આ પૂર બોલાવાયું છે."
પ્રજાપતિનું એવું પણ માનવું છે કે વિશ્વામિત્રી નદીઓ કે અન્ય જળાશયોમાં વહી જતું પાણી અણઘડ શહેરઆયોજને કારણે શહેરમાં જ ભરાવા લાગ્યું છે.
પરિસ્થિતિ ટાળી શકાઈ હોત?
વડોદરામાં બૂરી દેવાયેલું વિશ્વામિત્રી નદીનું કોતર
તેઓ જણાવે છે, "કોતરો બૂરીને શહેરમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવતાં પાણીનાં કુદરતી વહેણ બંધ થઈ ગયાં અને પાણી શહેરમાં જ ભરાવા લાગ્યું."
તેઓ એવો આવો પણ કરે છે, "તમામ કોતરો ખુલ્લાં હોત તો શહેરની સ્થિતિ હાલ કરતાં 90 ટકા સારી હોત."
કેન્દ્ર અને રાજ્યનાં પર્યાવરણમંત્રાલય, ગુજરાત સરકારના મુખ્ય સચિવ, વન અને પર્યાવરણવિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ અને શહેરી રહેણાંક ઑથોરિટીને પત્ર લખ્યો હતો.
રોહિત પ્રજાપતિના પત્રના આધારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલો નિર્દેશ
જે બાદ ભારત સરકારના પર્યાવરણમંત્રાલય દ્વારા આ મામલે ગુજરાત સરકારના વન અને પર્યાવરણમંત્રાલયને પગલાં લેવા નિર્દેશ કરાયો હતો.
એ નિર્દેશને પગલે વડોદરા મહાનગરપાલિકાએ સંબંધિત વિભાગના ઇજનેરોને 'સંલગ્ન કામગીરી કરવા' વિનંતી કરી હતી.
આ મામલે કેટલી કામગીરી થઈ શકી એ જાણવા બીબીસી ગુજરાતીએ ફોન પર વડોદરા શહેરતંત્રનો સંપર્ક સાધ્યો હતો.
જોકે, વડોદરા મહાનગરપાલિકાનાં કમિશનર શાલિની અગ્રવાલે 'હું આ મામલે જોવડાવી લઈશ.' કહીને ન ફોન કાપી નાખ્યો હતો.
હાલની પરિસ્થિતિ
વડોદરા વરસાદને કારણે બેહાલ બન્યું છે, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.