ICICI Bank manager -એક ભારતીય મહિલાએ ભારતની એક મોટી બૅન્ક આઇસીઆઇસીઆઇના મૅનેજર પર તેમના ખાતામાંથી 16 કરોડ રૂપિયા ઉપાડી લીધા હોવાનો આરોપ લગાવ્યો છે.
બૅન્કે આ વાત સ્વીકારી છે. શ્વેતા શર્મા કહે છે કે તેમણે તેમના અમેરિકાના ખાતામાંથી આઈસીઆઈસીઆઈ બૅન્કમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, એ આશાએ કે તેને ફિક્સ્ડ ડિપૉઝિટમાં પરિવર્તિત કરાય.
તેઓ આરોપ લગાવે છે કે બૅન્ક અધિકારીએ તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડવા માટે તેમણે “નકલી ખાતું બનાવ્યું, તેમની સહીની નકલ કરી, તેમના નામે ડેબિટ કાર્ડ અને ચેકબુક પણ મેળવી લીધી હતી.”
શ્વેતાએ બીબીસીને જણાવ્યું, “તેમણે મને ખોટું સ્ટેટમૅન્ટ આપ્યું, મારા નામે નકલી ઇમેઇલ આઈડી પણ બનાવ્યું અને બૅન્ક રેકૉર્ડ્ઝમાં મારા મોબાઇલ નંબર સાથે ચેડાં કર્યાં. જેથી ખાતામાંથી રકમ ઉપાડવામાં આવે તો મને ખબર ન પડે.”
બૅન્કે સ્વીકાર્યું, “છેતરપિંડી થઈ છે”
આઈસીઆઈસીઆઈ બૅન્ક ભારતની બીજી સૌથી મોટી બૅન્ક છે
આઇસીઆઇસીઆઇ બૅન્કના પ્રવક્તાએ બીબીસી સામે સ્વીકાર્યુ, “છેતરપિંડી તો ખરેખર થઈ છે.”
સાથે જ જણાવ્યું કે આઈસીઆઈસીઆઈ “એ એવી બૅન્ક છે જેનાં ખાતાંમાં કરોડો ગ્રાહકોના અબજો રૂપિયા પડ્યા છે.”
તેઓ ઉમેરે છે, “જે દોષિત છે તેમને સજા થશે.”
અમેરિકા અને હૉંગકૉંગમાં લાંબા સમય સુધી વસવાટ કર્યાં પછી 2016માં ભારત પરત આવેલાં શર્મા અને તેમના પતિ એક બૅન્કરને તેમના મિત્રના માધ્યમથી મળ્યા હતા.
આ મિત્રે તેમને સલાહ આપી કે અમેરિકામાં બૅન્ક ડિપૉઝિટ પર વ્યાજદર ઓછો છે. આથી શ્વેતા રૂપિયા ભારતની બૅન્કમાં જમા કરી શકે છે, જ્યાં ફિક્સ્ડ ડિપૉઝિટ પર સાડા પાંચથી છ ટકા વ્યાજ મળી શકે છે.
તેમની સલાહના આધારે 2019માં શ્વેતાએ દિલ્હીમાં જૂના ગુરુગ્રામમાં આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કની એક શાખાની મુલાકાત લીધી પછી એનઆરઆઈ ખાતું ખોલાવ્યું. તેમાં તેમના અમેરિકા ખાતેના એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું.
શ્વેતા જણાવે છે, "સપ્ટેમ્બર 2019થી ડિસેમ્બર 2023 સુધીનાં ચાર વર્ષ દરમિયાન અમે અમારી બધી બચત આશરે સાડા તેર કરોડ રૂપિયા બૅન્કમાં જમા કરાવી દીધા હતા.”
શ્વેતા ઉમેરે છે, “તેના પરના વ્યાજ સાથે આ રકમ 16 કરોડ રૂપિયાથી વધુ થઈ હોવી જોઈએ.”
શ્વેતા કહે છે બ્રાન્ચ મૅનેજરને કારણે તેમને ક્યારેય કંઈ શંકાસ્પદ લાગ્યું જ નહીં, કારણ કે “તેઓ મને બૅન્ક તરફથી તમામ થાપણોની રસીદો, નિયમિત રીતે આઇસીઆઇસીઆઇ તરફથી ઇ-સ્ટેટમેન્ટ મોકલતા અને ક્યારેક તો દસ્તાવેજોના ફોલ્ડર પણ શૅર કરતા.”
છેતરપિંડી થયાની કેવી રીતે ખબર પડી?
આ ગોટાળો સામે ત્યારે આવ્યો જ્યારે બૅન્કમાં આવેલા એક નવા કર્મચારીએ શ્વેતા શર્માને તેમના રોકાણ પર સારા વળતરની ઑફર કરી.
એ પછી તેમને ખ્યાલ આવ્યો કે તેમની બધી જ ફિક્સ્ડ ડિપૉઝિટ ગાયબ છે. આ જમા રાશી પર અઢી કરોડનો એક ઓવરડ્રાફ્ટ પણ લેવાયો હતો.
શ્વેતાએ જણાવ્યું, "મારા પતિ અને મને આઘાત લાગ્યો હતો. હું ઑટોઇમ્યુન ડિસઑર્ડરથી પીડિત છું અને મને એટલો આઘાત લાગ્યો હતો કે હું આખા અઠવાડિયા સુધી પથારીમાંથી ઊઠી શકી ન હતી,"
"તમારી આંખોની સામે જ તમારું જીવન બરબાદ થતું રહ્યું અને તમે કંઈ કરી શકતા નથી."
શ્વેતા શર્મા કહે છે કે તેમણે બૅન્ક સાથે તમામ માહિતી શૅર કરી છે અને ટોચના અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી છે.
તેઓ કહે છે, "16 જાન્યુઆરીએ અમારી પ્રથમ મીટિંગમાં અમે બૅન્કના પ્રાદેશિક અને ઝોનલ વડાઓ અને બૅન્કના આંતરિક તકેદારીના વડાને મળ્યા, જેઓ મુંબઈથી આવ્યા હતા. તેમણે અમને કહ્યું કે તેમણે સ્વીકાર્યું કે તે તેમની ભૂલ હતી અને આ બ્રાન્ચ મૅનેજરે છેતરપિંડી કરી હતી.”
"તેમણે અમને ખાતરી આપી કે અમને અમારા બધા પૈસા પાછા મળી જશે. જોકે તેમણે કહ્યું કે, તેમને છેતરપિંડીની લેણદેણની તપાસમાં મારી મદદની જરૂર છે."
શ્વેતા શર્મા અને તેમના એકાઉન્ટન્ટ્સની ટીમે છેલ્લાં ચાર વર્ષના સ્ટેટમેન્ટ્સની ચકાસણી કરવામાં દિવસો પસાર કર્યા છે. ત્યાર બાદ તેમના એકાઉન્ટન્ટ્સની ટીમે વિજિલન્સ ટીમ સાથે બેસીને એ વ્યવહારોને ચિહ્નિત કર્યાં છે જે છેતરપિંડીભર્યા હોવાની તેમને "100% ખાતરી" હતી.
તેઓ કહે છે, "મારા ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડવામાં આવ્યા હતા અને તે ક્યાં ખર્ચવામાં આવ્યા હતા તે શોધવું ખરેખર આઘાતજનક હતું."
QR કોડ સ્કૅન કરાવી કઈ રીતે છેતરપિંડી થાય છે? ચૂકવણી કરતી વખતે શું ધ્યાન રાખવું?
આઇસીઆઇસીઆઇ બૅન્કે ભરોસો આપ્યો
ભારતીય ચલણી રૂપિયા
શ્વેતા શર્મા કહે છે કે આ મામલે બે અઠવાડિયાંમાં જ નિકાલની બૅન્કે ખાતરી આપ્યા છતાં છ અઠવાડિયાં પછી પણ તેઓ તેમના રૂપિયા મળવાની રાહ જોઈ રહ્યાંં છે.
આ દરમિયાન તેમણે આઇસીઆઇસીઆઇના સીઇઓ અને ડેપ્યુટી સીઇઓને પત્રો મોકલ્યા છે અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (ઇઓડબલ્યુ)માં ફરિયાદો નોંધાવી છે.
બીબીસીને મોકલેલા એક નિવેદનમાં બૅન્કે કહ્યું કે તેમણે તપાસનું પરિણામ આવે ત્યાં સુધી તેમના ખાતામાં 92.7 મિલિયન રૂપિયા (રકમ પાછી લેવાના અધિકાર સાથે) જમા કરવાની ઑફર કરી છે.
પરંતુ શ્વેતા શર્માએ આ ઑફરને નકારી કાઢી છે.
તેમનું કહેવું છે, "તે મારા 16 કરોડ રૂપિયા કરતા ઘણા ઓછા છે અને પોલીસ તપાસ પૂરી થાય ત્યાં સુધી ખાતું ફ્રીઝ કરાશે. તેમાં અનેક વર્ષો લાગી શકે છે."
તેઓ કહે છે, "મારી કોઈ ભૂલ નથી તો એની સજા મારે શા માટે ભોગવવાની? મારું જીવન પલટાઈ ગયું છે. હું ઊંઘી શકતી નથી. મને રોજ ખરાબ સપનાં આવે છે."
આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ગોટાળો
કૅશલેસ કન્ઝ્યુમર સંગઠન ચલાવતા શ્રીકાંત એલ કહે છે આવા બનાવો સામાન્ય નથી અને આવી કોઈ ઘટના ન બને એ માટે બૅન્ક પણ ઑડિટ અને ચેકિંગની કાર્યવાહી કરતી હોય છે.
પણ જો તમારા બૅન્ક મૅનેજરે જ તમારી સાથે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હોય તો તમે કંઈ ન કરી શકો.
તેઓ કહે છે, "તે બૅન્ક મૅનેજર હતો, એટલે તેના પર વિશ્વાસ હતો. પરંતુ ગ્રાહકોએ વધુ સતર્ક રહેવું જોઈએ. તેમણે હંમેશાં તેમના ખાતામાંથી થતી નાણાંની લેવડદેવડ પર નજર રાખવી જોઈએ.”
તેઓ ઉમેરે છે, "ગ્રાહક તરફથી ડબલ ચેકનો અભાવ આ પ્રકારની છેતરપિંડી તરફ દોરી શકે છે."
આ મહિનામાં જ બીજી વખત આઇસીઆઇસીઆઇ બૅન્ક ખોટા કારણસર સમાચારમાં આવી છે.
આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે એક બ્રાન્ચ મૅનેજર અને તેના સહયોગીઓએ બૅન્ક દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે થાપણદારો સાથે અબજો રૂપિયાની છેતરપિંડી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે તેમણે ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉપાડ્યા હતા અને તેનો ઉપયોગ નવા કરન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ ખોલવા અને ફિક્સ્ડ ડિપૉઝિટ સેટ કરવા કર્યો હતો.
આઇસીઆઇસીઆઇના પ્રવક્તાએ કહ્યું કે તે કિસ્સામાં બૅન્કે ઝડપી કાર્યવાહી કરી અને તેમાં સામેલ મૅનેજર સામે કાર્યવાહી કરી. તેમણે ઉમેર્યું હતું કે કોઈ પણ ગ્રાહકે પૈસા ગુમાવ્યા નથી.
શ્વેતા શર્માના કેસમાં બૅન્કે કહ્યું કે તે "આશ્ચર્યજનક" છે કે તેઓ "છેલ્લાં ત્રણ વર્ષમાં તેમના ખાતામાં આ વ્યવહારો અને પૈસાથી અજાણ છે અને હવે તેમણે ખાતામાં થયેલો ગોટાળો જોયો.
પ્રવક્તાએ કહ્યું કે આરોપી બ્રાન્ચ મૅનેજરને તપાસ પૂરી થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "છેતરપિંડી અમારી સાથે પણ થઈ છે."
તેમણે કહ્યું, "અમે ઈઓબડલ્યુમાં ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અમારે રાહ જોવી પડશે. તેમના આરોપ સાચા સાબિત થયા પછી તેમને તેમના તમામ નાણાં વ્યાજ સહિત પાછાં મળશે. પરંતુ કમનસીબે તેમણે આના માટે રાહ જોવી પડશે."
આ મામલે પક્ષ જાણવા માટે બીબીસીએ બ્રાન્ચ મૅનેજરનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.