કચ્છ: સોનું શોધવા કરેલા ખોદકામમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા હોવાનો દાવો, ખરેખર શું મળ્યું? હડપ્પીય સંસ્કૃતિ કચ્છ

સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (08:33 IST)
હડપ્પાકાળના સ્માર્ટસિટી ગણાતા ધોળાવીરાથી 51 કિલોમીટર દૂર આવેલા લોદ્રાણીમાં એવા અવશેષો મળી આવ્યા છે જે કચ્છની ધરતીમાં સમાયેલા ઇતિહાસનો એક અન્ય પુરાવો છે. પુરાતત્ત્વવિદો મુજબ અહીં મળેલા અવશેષો ધોળાવીરાથી મળી આવેલા અવશેષો જેવા જ છે.
 
ગુજરાતમાં કચ્છનું ધોળાવીરા અને અમદાવાદ નજીક આવેલા લોથલ જેવાં ગામો છે જે અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠાં છે.
 
સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો ગણાતાં લોથલ અને ધોળાવીરા હવે ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ચૂક્યા છે.
 
સંશોધક અજય યાદવે તેમના પ્રૉફેસર ડૅમિયન રૉબિન્સનના માર્ગદર્શન હેઠળ લોદ્રાણીમાં સંશોધન કર્યું હતું અને તેમને આ અવશેષો મળી આવ્યા છે. તેમના દાવા અનુસાર તેઓ બંને ઑક્સફર્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ આર્કિયોલૉજી સાથે મળીને કામ કરી રહ્યા છે.
 
તેમના દાવા અનુસાર, અહીંના સ્થાનિકો સોનું શોધવા માટે શોધખોળ કરી રહ્યા હતા અને તેમને આ અવશેષો મળ્યા હતા. પ્રાથમિક સંશોધન દરમિયાન તેમને એવું લાગ્યું હતું કે આ અવશેષો હડપ્પન કાળના છે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, આ જગ્યાને આ વર્ષે જાન્યુઆરીમાં જ મોળોધરો તરીકે રેખાંકિત કરવામાં આવી હતી.
 
અજય યાદવના જણાવ્યા અનુસાર, ધોળાવીરામાં જોવા મળતાં હડપ્પન માટીનાં વાસણોનો અહીંથી મોટો જથ્થો મળ્યો છે.
 
મળી આવેલી આ વસાહતને હડપ્પન સંસ્કૃતિ સાથે સરખાવતાં તે વધુ પરિપક્વ લાગે છે.
 
પુરાતત્ત્વવિદો અનુસાર આ સ્થળની વિગતવાર તપાસ અને ખોદકામથી વધુ ખુલાસો થશે.
 
સંશોધનમાં શું મળી આવ્યું?
હડપ્પીય સંસ્કૃતિ કચ્છ ધોળાવીરા 
સંશોધકો કચ્છના ખડિર અને બેલાબેટ વિસ્તારમાં અનેક જગ્યાએ શોધખોળ કરી રહ્યા હતા. બેલાબેટમાં સંશોધન દરમિયાન તેમને લોદ્રાણી અને રસા-જી ગઢડા વચ્ચે ધોળાવીરાની પૂર્વ દિશામાં 51 કિલોમીટર દૂર આ હડપ્પન વસાહત મળી આવી હતી.
 
આ વિસ્તારમાં પહેલાં પણ ત્રણ જગ્યાઓ હડપ્પન વસાહતો મળી આવેલી છે જેમાંથી બે જગ્યાઓ આદિ પાષાણયુગની છે. આ જગ્યાઓમાં ગમાણિયાની ટિંબી-2, સાયાખાનની વાંઢ અને જાટાવાડા નજીક મોરૂઓ નામના હડપ્પન અવશેષોવાળાં સ્થળોનો સમાવેશ થાય છે.
 
સંશોધકો એવો દાવો કરે છે કે દાયકાઓથી આ જગ્યાએ અનેક લોકોએ મુલાકાતો લીધી છે અને સંશોધનોના પ્રયત્નો થયા છે પરંતુ કશું જ નક્કર પ્રતિપાદિત થઈ શક્યું ન હતું.
 
મોળોધરોમાંથી અનેક માટીનાં વાસણો, ટેરાકોટા કૅક્સ, દફનક્રિયાના અવશેષો વગેરે ચીજો મળી આવી છે.
 
સંશોધકો પ્રમાણે, અહીંથી કિલ્લેબંધ વસાહતો (જેમને હડપ્પન કાળની માનવામાં આવે છે), છિદ્રવાળી બરણીઓ, માટીનાં વાસણો મળ્યાં છે.
 
અહીં મળી આવેલી વસાહતોની દીવાલો સરેરાશ 3.3 મીટર જાડી છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં એક કૂવો છે અને સરેરાશ 10*10 મીટરના ઓરડાઓ હોય તેવું ફલિત થાય છે. મળી આવેલા આ અવશેષો બિલકુલ ધોળાવીરા જેવા હોવાથી પુરાતત્વવિદોને તેમાં રસ જાગ્યો છે.
 
ધોળાવીરા : વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થનાર ગુજરાતનું પાંચ હજાર વર્ષ જૂનું 'સ્માર્ટ સિટી'
ભારતનો ઇતિહાસ બદલી નાખશે 2600 વર્ષ જૂની આ શહેરી સભ્યતા? આ શોધ નવી ન હોવાનો દાવો
 
ધોળાવીરા કચ્છ અવશેષો 
 
મળી આવેલા અવશેષો
જોકે, આ નવું મોળોધરો સ્થળ અને અવશેષો મળી આવ્યા હોવાનો દાવો કર્યા બાદ તેના પર ઘણા પુરાતત્ત્વવિદોએ સવાલ ઉઠાવ્યા છે.
 
સ્પેનના કૅટેલન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ આર્કિયૉલૉજીના સંશોધક ફ્રાન્સિસિ સી. કૉનેસાનો દાવો છે આ માહિતી ખોટી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર લખ્યું હતું કે કથિત મોળોધરો સાઇટને ભારતીય પુરાતત્વવિદો વર્ષોથી હડપ્પન સાઇટ તરીકે ઓળખે છે. સૌપ્રથમવાર તેને કોટડા તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
 
તેમણે દાવો કર્યો છે કે ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયૉલૉજી, યુનિવર્સિટી ઑફ કેરળ, કચ્છ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓ વર્ષોથી અહીં લોદ્રાણીમાં અનેકવાર મુલાકાતો લઈને સઘન સર્વે કરી રહ્યા છે.
 
જોકે, આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં આ સંશોધનની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
 
બીબીસી ગુજરાતીએ આ બાબતે આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના વડોદરા સર્કલના સુપરિન્ટેન્ડિંગ આર્કિયૉલૉજિસ્ટ એએસવી સુબ્રમણ્યમ સાથે સંપર્ક કરવાનો સતત પ્રયાસ કર્યો હતો. જોકે તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
 
તેમની સાથે સંપર્ક થયે આ સ્ટોરીને અપડેટ કરવામાં આવશે.
 
ડૉ. હસમુખ સાંકળિયા : વાલ્મીકિ રામાયણના સંદર્ભોને આર્કિયોલૉજીની એરણે ચકાસનારા ગુજરાતી પુરાતત્ત્વવિદ
 
4500 વર્ષ જૂનું 'આધુનિક શહેર', જે 40,000 લોકો સાથે 'ગાયબ' થઈ ગયું
હડપ્પન સંસ્કૃતિ શું છે?
આજથી લગભગ પાંચેક હજાર વર્ષ પહેલાં વિશ્વમાં ત્રણ મુખ્ય સંસ્કૃતિઓ અસ્તિત્વ ધરાવતી હતી.
 
નાઇલ નદીના કિનારે પ્રાચીન મિસરની સંસ્કૃતિએ આલિશાન નગરો અને ભવનો બનાવ્યાં હતાં.
 
પશ્ચિમ અને મધ્ય-પૂર્વ એશિયામાં ટાઇગ્રીસ-યુફ્રેટિસ નદીના કિનારે મેસેપોટેમિયાની સંસ્કૃતિ વિકસી હતી.
 
એ જ વખતે સિંધુ નદીના કિનારે પણ એક સંસ્કૃતિ વિકસી. જેને એ સમયની સૌથી આધુનિક અને શહેરી સંસ્કૃતિ ગણવામાં આવી.
 
હાલના ભારતના પશ્ચિમમાં અને પાકિસ્તાનના પૂર્વમાં સિંધુ નદીના કિનારે વિકસેલી હોવાને કારણે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી.
 
પાકિસ્તાનમાં આવેલું હડપ્પા આ સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર હતું અને એટલે આ પ્રાચીન સંસ્કૃતિ 'હડપ્પન સંસ્કૃતિ' તરીકે પણ જાણીતી છે.
 
સિંધુ ખીણની આ સંસ્કૃતિનાં મૂળ ઉત્તરમાં છેક અફઘાનિસ્તાન સુધી અને દક્ષિણમાં છેક ગુજરાત સુધી વિસ્તર્યાં હતાં.
 
હડપ્પા, ગનેરીવાલા, મોહેંજો-દડો, ધોળાવીરા, કાલી બંગળ, રાખીગઢી, રુપર અને લોથલ એ આ સંસ્કૃતિનાં મહત્ત્વનાં શહેરો હતાં.
 
કચ્છમાં આવેલું ધોળાવીરા અને અમદાવાદ નજીક આવેલું લોથલ ગુજરાતમાં આવેલી સિંધુ ખીણની સંસ્કૃતિની પુરાતત્ત્વીય સાઇટ્સ છે.
 
સંશોધકો આ સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિનો પાયો ગણે છે. તેમના મતે ભારતનું આજનું જીવન એ જ સંસ્કૃતિના પાયા પર રચાયેલું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર