Gauri Vrat : ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે.
ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે.
ગૌરી વ્રત કરવાની વિધિ :
અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીઓમાં છાણીયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાર, ચોખા અને તલ એમ સાત ધાન વાવી ઉછેરવા.
આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જવારા અને ગોરમાંનું પૂજન કરવાનું હોય છે. આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઇ કોઈના ઘરે પણ પૂજા કરી શકે અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પુજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે.
વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું. પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા.
ઘર મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના પર માં પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જવારા ગૌરી માંની પાસે રાખેલ ઘી નો દીવો અને અગરબત્તી કરવા.
પછી પંચામૃત ચડાવી ગૌરી માં નું પૂજન કરવું. તેમને અબીલ, ગુલાલ, ચોખા, ફૂલ અને રૂ ના નાગલા ચડાવવા. રૂ ના નાગલા રોજ નવા બનાવીને માં ને ચડાવવા અને પ્રસાદ ધરાવવો.પછી સાચા દિલથી ગૌરી માં ને ભાવ પૂર્વક, શ્રદ્ધા પૂર્વક પગે લાગવું.
અને માં ને પ્રાર્થના કરવી કે, “હે માં, હું તારું જ બાળક છું. તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો. મારી મનોકામના પૂર્ણ કરો. મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો. માં મને સદબુદ્ધિ આપો, મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો. મારી શ્રદ્ધા હંમેશા વધારજો.”
પછી હાથમાં ચોખા, ફૂલ લઈને શ્રદ્ધા પૂર્વક ગૌરી વ્રતની વ્રત કથા કોઈના સમક્ષ વાંચવી. પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માં ને ચડાવી દેવા.
ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્ય નારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્ય નારાયણ ભગવાનનું નામ લઇ ધૂપ, દીપ, નૈવૈદ્ય, અબીલ, ગુલાલ, કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્ય નારાયણનું ધ્યાન ધરવું.
આ વ્રત કું વારી છોકરીઓએ પાંચ દિવસ એકટાણું જમવું. મોળું ભોજન (મીઠા વગરનું) અને મોળું ફળાહાર કરવું.
તેરસે જવારા અને ગોર માતાની પૂજા કરવી.
પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું.
પાંચમા દિવસે પૂજા વડાવવી. તેમાં સાત કન્યાને નાની બાળાને ભોજન કરાવવું. વ્રતનું પુસ્તક ભેટમાં આપવું.
છેલ્લે સૂર્ય પૂજન, ગોર પૂજન કરી પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા.
પછી ગોર માં ને વિદાય આપવી. વ્રતના છેલ્લા દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું.
છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માં ની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાવાના.
બીજા દિવસે સવારે નદી, તળાવ કે કૂવાના જળમાં જવારાને પધરાવી કુ મારિકાઓએ ઉપવાસ છોડવો.
ગૌરી વ્રતની કથા
એક સમયે કૌડીન્ય નામના નગર હતું. તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી જેનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઇ પણ પ્રકારની ખોટ ન હતા. પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ દુઃખી રહેતું હતું.
એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યાં. બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીની આવકાર આપ્યો. બંને જણાએ ખુબ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું.
ત્યારે નારદજીએ જણાવ્યું કે, તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપે બિરાજમાન છે. તમે તેમની પૂજા કરો, તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે.
એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ-પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા.
આ રીતે પાંચ વર્ષ વીતી ગયાં. એવામાં એક દિવસ જયારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફુલ તોડતો હતો ત્યારે એક સાપે તેને પગમાં ડંખ માર્યો. સાપનું ઝે-ર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઇ ગયો.
બીજી તરફ ઘણું મોડું થઇ ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો આથી તેની પત્ને ચિંતા થઇ. તે પોતાના પતિને શોધવા નીકળી. પતિને વનમાં બેભાન પડેલો જોઇ તે ખૂબ વિલાપ કરવા લાગી, અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું. બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વનદેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયાં. તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાંખ્યુ અને બ્રાહ્મણ જાગ્યો થયો.
એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઇ તેમને એક વરદાન માંગવા કહ્યું. ત્યારે તે દંપતીએ સંતાનપ્રાપ્તિ માટે માંગણી કરી. માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત – ગૌરીવ્રત કરવા કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું, જેના ફળસ્પરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે.