અમદાવાદ રથયાત્રાઃ ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા, સાધુ-સંતોનો ભંડારો યોજાયો

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2024 (14:57 IST)
ahmedabad rathyatra
શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ નીકળશે. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ-સંતોનો ધોળી દાળ અને કાળી રોટી એટલે કે દૂધપાક અને માલપુઆનો ભંડારો યોજાયો હતો.  
latest news
દેશભરમાંથી સાધુ સંતો મંદિરમાં આવ્યા છે
જમાલપુરમાં જગન્નાથ મંદિર પરિસરમાં ભગવાનના દ્વાર ખુલતા જ ‘જય રણછોડ, જય જગન્નાથ’નો નાદ ગૂંજ્યો હતો. વાજતે ગાજતે મંદિરના શિખર પર લાગેલી ત્રણેય ધજાઓ બદલવામાં આવી છે. દેશભરમાંથી સાધુ સંતો મંદિરમાં આવ્યા છે. 20,000 સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ચણા અને બટાકાનું 5-5 હજાર કિલોનું શાક, 10000 લીટર દૂધપાક, 10000 લીટર કઢી, 3000 કિલો લોટનાં માલપુઆ, 1000 કિલો લોટની પૂરી, 1000 કિલો ભાત અને 3000 કિલો ભજીયા તૈયાર કરવામાં આવ્યા છે.
latest news
લુહાર શેરીમાં છેલ્લાં 47 વર્ષથી ભક્તોને પ્રસાદ પીરસાય છે
ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. સરસપુરમાં રણછોડરાયજી મંદિરની સામે આવેલી લુહાર શેરીમાં છેલ્લાં 47 વર્ષથી ભક્તોને પ્રસાદ-ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત અન્ય 12 જેટલી પોળમાં રથયાત્રાના દિવસે ભક્તો માટે પ્રસાદી-ભોજન રાખવામાં આવે છે. અષાઢી બીજના દિવસે જે કોઈ સરસપુરમાં જાય તે ભોજન-પ્રસાદ લીધા વિના પરત ફરતા નથી. દરેક પોળમાં, દરેક શેરીમાં અને દરેક ગલીમાં ભક્તોને પ્રસાદી મળી રહે છે. હજુ પણ સરસપુરમાં વર્ષો જૂની પરંપરાગત રીતે ભક્તોને નીચે પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવે છે.
 

સંબંધિત સમાચાર

Next Article