અમદાવાદમાં રથયાત્રા પહેલા સમગ્ર રૂટ પર 15 હજાર પોલીસકર્મીઓએ રિહર્સલ કર્યું

ગુરુવાર, 4 જુલાઈ 2024 (12:45 IST)
15 thousand policemen rehearsed before the Rath Yatra in Ahmedabad
 શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7મી જુલાઈ અષાઢી બીજને દિવસે યોજાશે. આ રથયાત્રામાં સુરક્ષા માટે 18 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ પર રહેશે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શહેરમાં યાત્રાના સમગ્ર રૂટ પર આજે 15 હજારથી વધુ પોલીસ કર્મીઓ  દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. જમાલપુર જગન્નાથ મંદિરેથી લઈ સરસપુર સુધીના રૂટ પર પોલીસ કર્મીઓએ રિહર્સલ કર્યું હતું. 15 હજાર પોલીસકર્મીઓ અને 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી રિહર્સલમાં જોડાયા હતાં. અમદાવાદ પોલીસની સાથે રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે. શહેર પોલીસ કમિશ્નર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્યું છે. 
15 thousand policemen rehearsed before the Rath Yatra in Ahmedabad
પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તૈનાત રહેશે
અમદાવાદમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને 18700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તૈનાત રહેશે. 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
 
1400 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી બાજ નજર રખાશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભમાં પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, 47 જેટલા લોકેશન્‍સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી 1400 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર