વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે નં-8 પર આશરે 200 વર્ષ જુની ઘડિયાળી બાબાના નામે જાણીતી હજરત બાલાપીર બાબાની દરગાહ આવેલી છે. દેશભરના હિન્દુ-મુસ્લિમ સહિત દરેક ધર્મના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આ દરગાહ છે અને શ્રદ્ધાળુઓમાં બાબા પર અતૂટ વિશ્વાસ છે. અને ઘડિયાળી બાબા મનોકામના પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધા લોકો ધરાવે છે. જેથી મનોકામના પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ બાલાપીરની દરગાહ પર ઘડિયાળ ચડાવે છે. બાલાપીરની દરગાહ ઘડિયાળી બાબાના ઉર્સ શરીફની આજે ધામધૂમપૂવર્ક ઉજવણી કરવામાં આવનાર છે. આજથી અંદાજે 200 વર્ષ પહેલા આ જગ્યા પર હજરત બાલાપીર બાબા વસવાટ કરતા હતા. તેમના નિધન બાદ તેમના જ ભક્તોએ અહીં આ દરગાહ બનાવી હતી. વર્ષોથી એક હિન્દુ પરિવાર બાલાપીરની સેવા આપે છે. હજરત બાલાપીરની દરગાહ ચમત્કારી હોવાનું તેમના ભક્તો છે. દરરોજ અહીં આવીને લોકો ફુલ, ચાદર અને ઘડિયાળ ચડાવે છે. ખાસ કરીને ગુરૂવારે હજરત બાલાપીર બાબાની દરગાહ પર લોકોની ભારે ભીડ જામે છે. અને રસ્તા પર આવતા જતા લોકો અચૂક બાબાના દર્શન કરે છે. શ્રદ્ધાળુઓ પોતાની ઇચ્છાપૂર્તી માટે બાલાપીરના દર્શન કરીને બાધા રાખે છે. મનોકામના પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ હજરત બાલાપીરની દરગાહ પર જઇને ઘડિયાળ, ફુલ અને ચાદર ચડાવીને પોતાની માનતા પુરી કરે છે.