શું આ છે ગુજરાત મોડલ? અહી તસ્વીરો બતાવી રહી છે ગુજરાતનો ચિતાર

ગુજરાતથી હેતલ કર્નલ
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (12:20 IST)
રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ ચિંતાજનક જોવા મળી રહી છે. ચીનના વુહાન શહેરની માફક ગુજરાતના મોટા શહેરોમાં હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાંબી લાઇનો લાગી છે. કારણ કે મોટાશહેરોમાં મોટાભાગની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. જેના લીધે હોસ્પિટલની બહાર જ એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી છે. 
હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી એમ્બ્યુલન્સમાં તો ક્યારેક રિક્ષા અને ખાનગી વાહનોમાં જ દર્દીની સારવાર કરાઈ રહી છે. તો બીજી તરફ ઘણા શહેરોમાં હોસ્પિટલમાં બેડ ન મળતાં દર્દીઓ ઘરેથી ખાટલા લઇને હોસ્પિટલની બહાર સારવાર મેળવી રહ્યા છે. જેને જોતા કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હોવાનું ડોકટરો માની રહ્યા છે. 
કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. કોરોનાનો નવો સ્ટ્રેઇન નાની વયના લોકોનો પણ જીવ લઈ રહ્યો છે. આ બીજી લહેરમાં સૌથી વધુ લોકોના ઓક્સિજન લેવલ ડાઉન થવાની ફરિયાદો સામે આવી છે. ઓક્સિજન પૂરતું ન મળતા દર્દીઓના મોત થઈ રહ્યા હોવાનું તબીબોનું કહેવું છે. 
કોરોના સંક્રમણને લઈ ભયાવહ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. કોરોનાના દર્દીઓને દાખલ થવા માટે હોસ્પિટલમાં બેડ મળતા નથી. હોસ્પિટલોમાં ઓકિસજનની કમી જોવા મળે છે. દર્દીને દાખલ કરવામાં આવે છે તો રેમડેસિવિર ઈન્જેકશન મળતા નથી. દરરોજ જેટલા બેડ ખાલી થાય છે તેની સામે તેનાથી ઘણી વધુ સંખ્યામાં નવા દર્દી આવી રહ્યાં હોવાથી પરિસ્થિતિ વણસી છે. 
ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકોની હિજરત શરૂ
ગુજરાતના મોટા શહેરોમાંથી હવે ગામડે જનારાઓની સંખ્યા દરરોજ વધતી જાય છે. દરરોજ લગભગ 25 હજાર લોકો પોતાના ઘરે રવાના થઇ રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે રેલવે દ્રારા ટ્રેનોની સીટ ટૂ સીટ યાત્રા બાદ હવે વેટિંગ મુસાફરોને સ્ટેશન પરથી પરત ફરવું પડે છે. તો બીજી તરફ સુરતમાં ટ્રેનોની તુલનામાં બસો દ્રાર ઘરે પરત ફરનારા મુસાફરોની સંખ્યા વધુ છે.
સુરતામંથી અલગ અલગ બસ ઓપરેટરો દ્રારા દરરોજ 100થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. જ્યારે રેલવે દ્રારા સતત વધતી જતી વેટિંગની સ્થિતિ જોતાં અત્યાર સુધી બોર્ડરથી યૂપી, બિહાર તથા ઝારખંડ માટે ટ્રેનોની માંગ કરી ચૂક્યા છે. જેમાં 15 એપ્રિલના દિવસે પશ્વિમ રેલવેએ સુરત થઇને 15 ટ્રેનો યૂપી, બિહાર, બંગાળ તથા ઓરિસ્સા માટે દોડાવવામાં આવી છે.
HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો
કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે. ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેન ના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદની સ્થિતિ
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ તંત્રની કાબૂ બહાર જઈ રહ્યુ છે. ગુરૂવારે 24 કલાકમાં વિક્રમજનક 5142 કેસ નોંધાયા છે. 23 લોકોના મોત થયા છે. શહેરમાં ગત વર્ષની જેમ કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. દર કલાકે 200 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
રાજ્યની સ્થિતિ
રાજ્યમાં ગુરૂવારે 24 કલાકમાં 13,105 નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે 5,010 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,55,875 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 78.41 ટકાએ પહોંચ્યો છે. 
 
એક્ટિવ કેસ 90 હજારને પાર
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 92,084 એક્ટિવ કેસ છે. જ્યારે 376 લોકો વેન્ટિલેટર પર છે. 91,708 લોકો સ્ટેબલ છે. 3,55,875 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 5,877 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 137 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
ક્યાં કેટલા મોત
અમદાવાદ કોર્પોરેશન 23, સુરત કોર્પોરેશન 22, રાજકોટ કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 5, ભાવનગર કોર્પોરેશન 3, જુનાગઢ કોર્પોરેશન 2, સુરત 5, મહેસાણા 3, બનાસકાંઠા 5, જામનગર 4, વડોદરા 4, પાટણ 3, ભરૂચ 2, ગાંધીનગર 2, ભાવનગર 3, જુનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહિસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીરસોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1, અને દેવભૂમિ દ્વારકા 3 એમ કુલ 137 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.
 
હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક
સોલા સિવિલ હોસ્પિટલમાં છ ટનની ઓક્સિજ ટેન્ક મૂકવામાં આવી છે. અગાઉ સંકુલમાં પાંચ લિટરની ટેન્ક હતી. જો કે કોરોનાની બીજી લહેરમાં પાંચ લિટરની ટેન્ક દિવસમાં ત્રણથી ચાર વાર ભરવી પડતી હતી. જેથી છ ટનની નવી ટેન્ક મૂકવામાં આવી છે.
મંદિર-મસ્જિદમાં શરૂ થયા કોવિડ સેન્ટર
રાજ્યમાં કેટલી હદે સ્થિતિ કથળતી જાય છે તેનું અનુમાન મંદિર-મસ્જિદોમાં શરૂ કરવામાં આવેલા કોવિડ સેન્ટરોથી લગાવી શકાય છે. રાજ્યના ઘણા સ્થળોએ મંદિરો અને મસ્જિદોમાં કોવિડ કેર સેન્ટરમાં તબદીલ થયા છે. સંક્રમિતોની સંખ્યા સતત વધતાં હોસ્પિટલોમાં બેડ ઓછા પડવા લાગ્યા છે. વડોદરાના જહાંગીરપુરા મસ્જિદ અને તાંદલજાના દારૂલ ઉલેમ ખાતે સુવિધા સભર કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરામાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે 50 બેડનું કોવીડ કેર સેન્ટર કાર્યરત કરાયું છે. કોરોના સામેની લડાઇમાં સરકારની સાથે ધાર્મિક સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article