અમદાવાદમાં નવા બની રહેલા શહેર કોટડા પોલીસ સ્ટેશનનો ગેટ પડતાં બે બાળકોના મોત

Webdunia
શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (18:35 IST)
અમદાવાદમાં એક દુર્ઘટનામાં બે બાળકના મોત નિપજ્યાં હતાં. કાલુપુર બ્રિજ પાસે નવા બની રહેલા પોલીસ સ્ટેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન તેના મુખ્ય ગેટનું પણ કામ ચાલતું હતું. ત્યાં બે બાળકો રમતાં હતાં. ત્યારે અચાનક બાળકો પર ગેટ પડતાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાળકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. આ સમગ્ર મામલો પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ જતા પોલીસ સામે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે બની રહેલા શહેર કોટડા પોલીસ સ્ટેશનનો ગેટ આજે બપોરે અચાનક તૂટ્યો હતો. આ દરમિયાન ત્યાં નજીકમાં બે બાળકો રમતાં હતાં. આ ગેટ રમી રહેલા બંને બાળકો પર પડ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે એક બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ઈજાગ્રસ્ત બાળકને શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. શહેર કોટડા પોલીસ સ્ટેશનનું મકાન ઉદ્ઘાટન માટે તૈયાર કરી દેવામાં આવ્યું છે. તેના ગેટનું કામ પૂર્ણ થવાની રાહ જોવામાં આવતી હતી. ત્યારે અચાનક ગેટ તૂટવાની દુર્ઘટના ઘટતાં જ બે બાળકોની જિંદગી ખતમ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ફરહાન ઘાંચી નામના 7 વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેની સાથે રમતો 8 વર્ષનો અશદ નિશાર શેખને ઈજા પહોંચતા શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બાળકોના પરિવારજનોએ પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article