વડોદરામાં ચોર એક બાઈક ચોરતાં પકડાયો અને 15 બાઈકની ચોરીના રાજ ખૂલ્યાં

Webdunia
મંગળવાર, 12 ડિસેમ્બર 2023 (11:49 IST)
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 15 વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા શખસની ધરપકડ કરી છે. સાથે 14 બાઈકની રિકવર કરી છે. છેલ્લા બે મહિના દરમિયાન વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા 47 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 46 વાહનો શોધી કાઢવામાં સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે સ્પ્લેન્ડર સાથે એક શખસની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસને શંકા જતા ઈ-ગુજકોપમાં બાઈકના નંબર નાખી સર્ચ કરતા ચોરીનું નિકળ્યું હતું.

બાદમાં આરોપીની કડક પૂછપરછ કરતા તેણે 15 બાઈકની ચોરી કર્યાનું ખુલ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આઇ. ભાટી અને ટીમ વાહનચોરીના ગુનાઓ કરતાં શખસોની શોધમાં અને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ સ્પ્લેન્ડર સાથે ઘનશ્યામ વલ્લભ સોલંકીને ઝડપી પાડ્યો હતો. બાદમાં આ શખસની પૂછપરછ કરતા કોઈ પૂરાવા મળ્યા નહોતા. જેથી સ્પ્લેન્ડર અંગે ઈ-ગુજકોપ દ્વારા સર્ચ કરવામાં આવતાં બાઈક ચોરીની હોવાનું અને આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું.બાદમાં આ શખસની વધુ પૂછપરછ કરતા તેની પાસેની બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું અને છેલ્લા છ માસ દરમિયાન વડોદરા શહેરના સુસેન ચાર રસ્તાની આસપાસથી, માંજલપુરમાં આવેલી જુદી જુદી જગ્યાએથી, લાલબાગ રોડ, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાછળ આવેલ એપાર્ટમેન્ટમાંથી મળી 15 જેટલી સ્પ્લેન્ડરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

આ ગુના અંગે તપાસ દરમિયાન આ શખસ પાસેથી કુલ 14 બાઈક ચોરીના મળી આવ્યા હતા. જેની કિંમત રૂપિયા 2,25,000 રિકવર કરવામાં આવી છે. આ વાહન ચોરીના ગુના માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોવાથી આગળની તપાસ અર્થે આ પોલીસ મથકમાં સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article