સાડા ત્રણ કલાક સુધી આગને કાબુમાં લેવા ફાયરના જવાનોએ જહેમત ઉઠાવી હતી
સુરતમાં કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં પરોઢીયે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. આગથી બચવા માટે અનેક લોકોએ પોતાના બચાવ માટે દોડાદોડ કરી મુકી હતી. આગની ઘટનાનો સુરત ફાયર બ્રિગેડને પરોઢિયે 4.30 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડી ગયાં હતાં. 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી.
સુપર વાઇઝર (EME) પાયલોટ અને 108ના ડૉક્ટર (EMT) ખડે પગે સારવાર આપી તમામને ઝડપી હોસ્પિટલ પહોંચાડવામાં સફળ રહ્યાં હતાં. 108 EME નિકેશ નિખાર એ જણાવ્યું હતું કે લગભગ 20 થી વધુ કર્મચારીઓ દાઝી ગયા હતા. 15 જણા ને 108માં સુરતની સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. વહેલી સવાર થી સુરત ની પુણા, વરાછા, ગોદાદરા, લીંબાયત, નવાગામ સહિતની 108 અને એમના કર્મચારીઓ દર્દીઓ ને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરીમાં જોડાયા છે. બે કલાકથી હું પોતે આ કામગીરી ને ઓપરેટ કરી રહ્યો છું, લગભગ એક કર્મચારીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કર્યાં હતાં. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી
ફાયર બ્રિગેડને કોલ મળતાંની સાથે જ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટના સ્થળે અધિકારીઓ અને ફાયરના જવાનો પહોંચી ગયાં હતાં. તેમણે આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાંચ માળની બિલ્ડિંગમાં આગ લાગી હોવાથી તેને કાબુમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી હતી અને સાડા ત્રણ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે.
એસડીએમ કે.જી. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં. આગ લાગ્યા બાદ આ તમામ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી લીધાં છે. એક વ્યક્તિએ જીવ બચાવવા ઉપરથી નીચે કૂદકો મારતાં તેનું મોત નિપજ્યું છે. હાલમાં 80 ટકા આગ કાબુમાં આવી ગઈ છે. તે ઉપરાંત સુરતના મેયર હેમાલી બોગાવાલાએ કહ્યું હતું કે મને સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગની ઘટનાના સમાચાર મળ્યાં હતાં અને તરત ઘટના સ્થળે રવાના થઈ હતી. હાલમાં આગ કાબુમાં છે અને ત્યાં જેટલા લોકો હતાં તે તમામને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યાં છે.