અઠવા લાઇન્સ વિસ્તારમાં ટ્રાફિક મેમોથી કંટાળીને એક 65 વર્ષીય રિક્ષાચાલક સરફરાઝ શેખે આપઘાત કરી લીધો હતો. સરફરાઝ શેખે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી.જેમાં જણાવ્યું હતું કે, મારી આત્મહત્યાનું કારણ મારો પરિવાર નથી સરકાર છે. અઠવાલાઈન્સ વિસ્તારમાં 65 વર્ષીય સરફરાઝ શેખ પરિવાર સાથે રહે છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ ટ્રાફિકના મેમોથી સરફરાઝભાઈ કંટાળી ગયા હતા. જેને લઈને તેણે ઘરમાં જ કબાટ પર સ્યુસાઈડ નોટ ચિપકાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા અવાલાઈન્સ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. સ્યૂસાઈડ નોટમાં સરફરાઝ શેખ જણાવ્યું હતું કે, કમિશનર સાહેબ મારી આત્મહત્યાનું કારણ મારા ઘરવાળા નથી સરકાર છે. હું એક રિક્ષાવાળો છું અને રિક્ષા ચલાવી મારો સંસાર ચલાવું છું. અત્યારે મોદી સાહેબે ખરાબ કાયદા બહાર પાડી દીધા હોવાથી બધા રિક્ષાવાળા હેરાન થઈ ગયા છે, કારણ કે સુરત પોલીસ એકવાર રોકે એટલે 500 દંડ છે.રિક્ષાવાળો 5, 10 રૂપિયા ભેગા કરી સંસાર ચલાવતા હોય તેમાં 500નો દંડ મળે તો તેનો સંસાર કેવી રીતે ચાલી શકે. મારા મોત માટે જવાબદાર મોદી અને સરકાર છે. મારી રિક્ષાકોઈનને ભાડે આપવી નહીં અને રિક્ષા વેચી મારી અંતિમ ક્રિયા કરી લેજો.